
મુંબઈઃ શહાપુર તાલુકાના અસ્નોલીમાં ખોરાકી ઝેરની અસરથી ત્રણ બાળકીના મૃત્યુ થયા હોવાની ઘટના સોમવારે બની હતી. જોકે ખોરાકી ઝેર નહીં, પણ બાળકીઓને તેની માતાએ જ ઝેરી આપી મારી નાખી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે માતાની ધરપકડ કરી હતી. દીરીઓની સંભાળ અને ઘરેલું સમસ્યાઓથી ત્રાસીને માતાએ ગુનો આચર્યો હતો.
શહાપુરના અસ્નોલી ગામમાં તલેપાડા વિસ્તારમાં રહેતી સંધ્યા સંદીપ બેરે ત્રણ પુત્રી કાવ્યા (10), દિવ્યા (8) અને પાંચ વર્ષની ગાર્ગીને સોમવારે જમ્યા બાદ પેટમાં દુખાવો તથા ઊલટી થવા લાગી હતી. ત્રણેય જણને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું જણાતાં માતા તેમને ડોક્ટર પાસે લઇ ગઇ હતી અને બાદમાં શહાપુરની હોસ્પિટલમાં તેમને દાખલ કરાઇ હતી. જોકે ત્રણેય બાળકીની હાલત ગંભીર હોવાથી એક બાળકીને ઘોટીની હોસ્પિટલમાં, જ્યારે બે જણને મુંબઈની નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: શહાપુરમાં ખોરાકી ઝેરથી ત્રણ બહેનોનાં મૃત્યુ…
સારવાર દરમિયાન કાવ્યા અને ગાર્ગીનાં ગુરુવારે, જ્યારે દિવ્યાનું શુક્રવારે સવારે મૃત્યુ થયું હતું. ત્રણેયનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા બાદ ક્ધિહવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.
દરમિયાન શનિવારે રાતે આવેલા પોસ્ટમોર્ટમના અહેવાલમાં બાળકીઓના શરીરમાં ઝેર હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે બાળકીઓની માતા સંધ્યા બેરે (27) વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને પૂછપરછ બાદ મોડી રાતે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ
પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે સંધ્યાએ ભોજનમાં જંતુનાશક દવા ભેળવી હતી અને તે તેની ત્રણ પુત્રીને પીરસ્યું હતું. સંધ્યા બેરે ઘરેલું સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી અને પતિ સંદીપના દારૂના વ્યસનથી પણ કંટાળી ગઇ હતી. તે પતિથી અલગ થઇ હતી અને ત્રણેય પુત્રીની સંભાળ રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી. બાળકીઓનાં મૃત્યુમાં તેની માતા સંધ્યાની સંડોવણી હોવાની શંકા તેના સાસરિયાંને હતી.