આમચી મુંબઈ

સાળીની સૂચનાથી બનેવીએ સાઢુની હત્યા કર્યા પછી મૃતદેહને ડીઝલ નાખી સળગાવ્યો…

શાહપુરના જંગલમાં મળેલા અર્ધબળેલા મૃતદેહનો કેસ ઉકેલી પોલીસે સાળી-બનેવી સહિત ચારની ધરપકડ કર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ઘરેલુ વિવાદથી કંટાળેલી સાળીની સૂચનાથી બનેવીએ બે સાથીની મદદથી પથ્થરથી માથું છૂંદી સાઢુની હત્યા કર્યા પછી તેના મૃતદેહને ડીઝલ નાખી સળગાવી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શાહપુરના જંગલમાંથી મળેલા અર્ધબળેલા મૃતદેહનો કેસ ઉકેલી પોલીસે સાળી-બનેવી સહિત ચારની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ હસીના મેહબૂબ શેખ, ફૈયાઝ ઝાકીર હુસેન શેખ (35), સિકંદર બાદશાહ મુજાવર (35) અને ગુલામ અકબર ઈખ્તિયાર મૌલવી (38) તરીકે થઈ હતી. કર્ણાટકના બેલારી જિલ્લાના સિરુગુંપા ગામમાં રહેતી હસીનાના પતિ તિપન્નાની હત્યાના આરોપસર ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.

શાહપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર મૂકેશ ઢગેએ જણાવ્યું હતું કે હસીના અને તિપન્ના વચ્ચે લાંબા સમયથી ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો. દંપતી વચ્ચેના ઝઘડામાં કર્ણાટક પોલીસમાં અગાઉ ફરિયાદ સુધ્ધાં નોંધાઈ હતી. પતિના ત્રાસથી કંટાળેલી હસીનાએ તેનો કાંટો કાઢવાનું કામ બહેનના પતિ ફૈયાઝને સોંપ્યું હતું.

કહેવાય છે કે દંપતી ફરવા માટે કલ્યાણમાં રહેતા ફૈયાઝના ઘેર આવ્યા હતા. અઠવાડિયા બન્ને જણ કલ્યાણમાં જ રહેતા હતા. 16 નવેમ્બરની રાતે ફૈયાઝ તેના બે સાથી સિકંદર અને ગુલામ સાથે તિપન્નાને દારૂ પીવા લઈ ગયો હતો. દારૂના નશામાં ચૂર તિપન્નાને રિક્ષામાં નાશિક-મુંબઈ હાઈવે પાસે શાહપુરના જંગલમાં લઈ જવામાં આવ્યો હતો. ગળું દબાવ્યા પછી પથ્થરથી માથું છૂંદી તેની હત્યા કરવામાં આવી હતી. પછી તેના શબ પર ડીઝલ રેડી આગ ચાંપવામાં આવી હતી.

પોલીસને છેક 25 નવેમ્બરે તિપન્નો મૃતદેહ અર્ધબળેલી અવસ્થામાં મળ્યો હતો. આગને કારણે તેનો કમરથી ઉપરનો ભાગ બળી ગયો હતો, જેને પગલે તેની ઓળખ મેળવવી મુશ્કેલ હતી. આ પ્રકરણે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

17 નવેમ્બરના મળસકે શંકાસ્પદ રિક્ષા જંગલ નજીક દેખાઈ હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. માહિતીને આધારે પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજ પરથી રિક્ષાને ઓળખી કાઢી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. ફૈયાઝની કબૂલાત પછી હસીનાને કર્ણાટકમાંથી તાબામાં લેવાઈ હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button