કિશોરીની જાતીય સતામણી: કોર્ટે 51 વર્ષના આધેડને 3 વર્ષની કેદ ફટકારી | મુંબઈ સમાચાર

કિશોરીની જાતીય સતામણી: કોર્ટે 51 વર્ષના આધેડને 3 વર્ષની કેદ ફટકારી

મુંબઈઃ 2019માં સગીર વયની બાળકીની જાતીય સતામણી કરવાના ગુનામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાની અદાલતે 51 વર્ષની એક વ્યક્તિને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આવી ઘટનાઓની જાણ પોલીસને કરવી જોઈએ કારણ કે એનાથી સમાજમાં જાગૃતિ લાવવામાં મદદ મળશે અને અપરાધીને થયેલી સજા અન્ય લોકોને એ રસ્તે જતા અટકાવશે એમ ફરિયાદ પક્ષે બુધવારે આપવામાં આવેલા આદેશમાં વિશેષ પોક્સો અદાલતના ન્યાયમૂર્તિ ડી.એસ.દેશમુખને ટાંકી જણાવ્યું હતું.

વિશેષ સરકારી વકીલ સંધ્યા એચ મ્હાત્રેએ અદાલતને જણાવ્યું હતું કે 5 જુલાઈ, 2019ના દિવસે નવમા ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની કિશોરી મુમ્બ્રા વિસ્તારમાં સ્કૂલમાં જઈ રહી હતી ત્યારે આરોપી મોઇજ હાતિમ રામપુરવાલાએ તેનો પીછો કરી તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

આપણ વાંચો: વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવાના કેસમાં કલવાની કૉલેજના પ્રોફેસરને ત્રણ વર્ષની કેદ…

યુવતીએ તેની હરકતોનો વિરોધ કરી બૂમાબૂમ કરી તે વ્યક્તિને છત્રીથી ફટકારી હતી. એ સમયે ત્યાંથી પસાર થતી એક મહિલા ત્યાં દોડી આવી હતી અને પીડિતાને બચાવી લીધી હતી, જ્યારે આરોપી ભાગી ગયો હતો.

ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે પીડિતા અને મહિલા તે વ્યક્તિનો પીછો કરીને તેના ઘર સુધી પહોંચ્યા હતા અને તેને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ કિશોરી અને મહિલાએ પોલીસમાં વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે આરોપીને 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
(પીટીઆઈ)

Back to top button