થાણેની જાણીતી શાળાના વિદ્યાર્થીઓની જાતીય સતામણી: બસ એટેન્ડન્ટની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના કાપૂરબાવડી પરિસરમાં આવેલી જાણીતી શાળાના વિદ્યાર્થીઓની કથિત જાતીય સતામણી કરવા બદલ પોલીસે બસ એટેન્ડન્ટની ધરપકડ કરી હતી. ઘાટકોપરના થિમ પાર્કમાં પિકનિક માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે આરોપીએ ખાનગી બસમાં કથિત કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
થાણેના ઘોડબંદર રોડ ખાતે રહેતી એક વિદ્યાર્થિનીના વડીલોએ નોંધાવેલી ફરિયાદને આધારે કાપૂરબાવડી પોલીસે બુધવારે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે ખાનગી બસના એટેન્ડન્ટ જાવેદ મોહમ્મદ નવી ખાન (27)ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારી વાય. એસ. આવ્હાડે જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના મંગળવારે બની હતી. થાણેની શાળા દ્વારા ઘાટકોપરના એક મૉલ ખાતે આવેલા થિમ પાર્કમાં વિદ્યાર્થીઓની પિકનિકનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને પિકનિક પર લઈ જવા માટે ખાનગી બસની ગોઠવણ કરવામાં આવી હતી.
થાણેથી ઘાટકોપરના પ્રવાસ દરમિયાન એટેન્ડન્ટ ખાને વેફર્સ અને સૅન્ડવિચ આપતી વખતે વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓને અયોગ્ય સ્પર્શ કર્યા હતા. ખાનના આ રીતના વર્તનનો બસમાં હાજર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ઘરે પહોંચ્યા પછી વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. કહેવાય છે કે વાલીઓએ પહેલાં શાળા પ્રશાસનને આ બાબતે ફરિયાદ કરી હતી અને પછી કાપૂરબાવડી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354એ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.