સેક્સ રેકેટ ચલાવવા બદલ ઢોંગીબાબા, બે મહિલા સહિત સાત જણની ધરપકડ
થાણે: ધનાઢ્ય બનવા માગતા લોકો માટે ધાર્મિક વિધિઓ કરવાની આડમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ થાણે ક્રાઇમ બ્રાન્ચે ઢોંગીબાબા અને બે મહિલા સહિત સાત જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રાબોડી વિસ્તારમાં પંદર વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થયા બાદ તપાસ શરૂ કરાઇ હતી, જેમાં આ રેકેટ પકડાયું હતું. પોલીસે બાદમાં 25 ફેબ્રુઆરીએ અસલમ ખાન અને સલીમ શેખની ધરપકડ કરી હતી, જેમણે મુખ્ય આરોપી સાહેબલાલ વઝીર શેખ ઉર્ફે યુસુફ બાબા વિશે માહિતી આપી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુસુફ બાબા અને તેના સાગરીતો નાણાકીય રીતે નિર્બળ મહિલાઓને શોધી તેમને જાદુટોણા થકી ધનાઢ્ય બનાવવાને નામે જાળમાં ફસાવતા હતા. અમુક વિધિ દરમિયાન મહિલાને નિર્વસ્ત્ર કરતા હતા. આરોપીના મોબાઇલમાંથી વાંધાજનક પુરાવા સાથે આ વિધિના અનેક વીડિયો મળી આવ્યા છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના પીઆઇ કૃષ્ણા કોકણીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે અમે થાણે, વસઇ, પાલઘર અને મુંબઈથી સાત જણની ધરપકડ કરી હતી, જેમાં બે મહિલાનો સમાવેશ છે. આ ટોળકીના સભ્યોએ 17 લોકોને છેતર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
રાબોડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. ઉપરાંત પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ અને અમાનવીય તથા અઘોરી વ્યવહાર ધારા હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. (પીટીઆઇ)