Maharashtra Assembly Monsoon Session: MP બનેલા સાત MLAએ રાજીનામા આપ્યા
સ્પીકર રાહુલ નાર્વેકરે વિધાનસભામાં નામોની જાહેરાત કરી

મુંબઈઃ હાલમાં યોજવામાં આવેલી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહીને ચૂંટણી જીતી જનારા મહારાષ્ટ્રના સાત વિધાનસભ્યોએ પોતાના વિધાનસભ્ય તરીકેના પદ પરથી રાજીનામા આપ્યા હતા. ગુરુવારે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું ત્યારે સ્પીકર રાહુલ નાર્વેકરે 18મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા સાત વિધાનસભ્યોના નામોની જાહેરાત કરી હતી જેમણે પોતાના રાજીનામા આપ્યા હતા.
રાજીનામા આપનારા વિધાનસભ્યોમાં કોંગ્રેસના પ્રણિતી શિંદે, પ્રતિભા ધાનોરકર, બળવંત વાનખેડે અને વર્ષા ગાયકવાડનો સમાવેશ થાય છે જ્યારે શિંદે જૂથની શિવસેનાના રવિન્દ્ર વાયકર અને સાંદિપન ભુમરેના સમાવેશ રાજીનામા આપનારા વિધાનસભ્યોમાં થાય છે.
આ પણ વાંચો: Assembly Session: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું શિંદે સરકારનું ‘Send-Off Session’…
શરદ પવારની એનસીપીના સાંસદ બનેલા નિલેશ લંકેએ પણ વિધાનસભાના સભ્ય તરીકે પોતાનું રાજીનામુ આપ્યું હતું, જેની જાહેરાત નાર્વેકરે કરી હતી. જ્યારે કોંગ્રેસના રાજુ પાર્વેએ લોકસભાની ચૂંટણી પહેલા જ વિધાનસભ્યના પદેથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામુ આપ્યા બાદ તે રામટેક બેઠક પરથી સાંસદ બનવા માટે ચૂંટણી લડ્યા હતા, જે તે હારી ગયા હતા.
આ સિવાય વિધાનસભામાં હાલમાં જ મૃત્યુ પામનારા મીનાક્ષી પાટીલ, પાંડુરંગ પાટીલ, પ્રતાપરાવ ભોંસલે, ગંગાધર ગડે, ત્ર્યંબક કાંબળે, ડોમિનિક ગોન્ઝાલ્વિસ અને ગગડુ ગાલાંડે જેવા વિધાનસભ્યોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.