આમચી મુંબઈમહારાષ્ટ્ર

સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોની ગંભીર ભૂલ

નવ વર્ષના બાળકના ઇજાગ્રસ્ત પગને બદલે ગુપ્તાંગની સર્જરી કરી

થાણે: થાણે જિલ્લાના શાહપુરની સરકારી હૉસ્પિટલમાં તબીબોની ગંભીર ભૂલનો કિસ્સો સામે આવ્યો છે. નવ વર્ષના બાળકના ઇજાગ્રસ્ત પગને બદલે તેના ગુપ્તાંગની સર્જરી કરવામાં આવી હોવાનો આક્ષેપ બાળકના વડીલોએ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં આરોગ્ય અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી.

બાળકના વડીલોના કહેવા મુજબ ગયા મહિને મિત્રો સાથે રમતી વખતે બાળકના પગમાં ઇજા થઈ હતી. 15 જૂને શાહપુરની સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તાજેતરમાં બાળક પર સર્જરી કરી હતી, પરંતુ પગને બદલે તેના ગુપ્તાંગની સર્જરી કરી હોવાનો આક્ષેપ વડીલોએ કર્યો હતો.

આ પણ વાંચો: રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં મહિલાએ એક સાથે ચાર બાળકને આપ્યો જન્મ

જોકે ભૂલ ધ્યાનમાં આવતાં જ તબીબોએ પાછી બાળકના પગ પર પણ સર્જરી કરી હતી. આ પ્રકરણે વાલીઓએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે હજુ ગુનો નોંધવામાં આવ્યો નથી. ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન ડૉ. કૈલાસ પવારે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પ્રશાસન દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ગજેન્દ્ર પવારે જણાવ્યું હતું કે બાળકના પગમાં ઇજા ઉપરાંત તેને ફિમોસિસની પણ સમસ્યા હતી. અમે તેના પર બે સર્જરી કરી હતી.

જોકે બીજી સર્જરી વિશે વાલીઓને જાણ ન કરવા પાછળનું કારણ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ડૉક્ટરો વાલીઓને માહિતગાર કરવાનું ભૂલી ગયા હશે અથવા તો દર્દીના કોઈ સગાને જાણ કરી હોય તેવું બની શકે છે. ડૉક્ટરોએ કશું ખોટું કર્યું નથી. તબીબોની સમજણ વાલીઓ માનવા તૈયાર નથી, એમ તેમણે ઉમેર્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button