સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા એનસીપીના દિગ્ગજ નેતાઓ, જાણો શું કર્યું?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને લાગેલા ઝટકા પછી હવે વિધાનસભાની ચૂંટણીમાં સાથીપક્ષો વધુ સારું પ્રદર્શન કરે એના પ્રયાસમાં એકનાથ શિંદેની શિવેસના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની એનસીપી સક્રિય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને વિધાનસભ્યોની સાથે આજે સિદ્ધિ વિનાયક મંદિરના બપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા.
હવે મહારાષ્ટ્રમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપીના પ્રમુખ અજિત પવાર હિંદુત્વના રંગમાં રંગાઈ રહ્યા છે. અજિત પવારે પોતાના તમામ પ્રધાનો અને વિધાનસભ્યો સાથે સિદ્ધિ વિનાયકના દરબારમાં પહોંચ્યા હતા. અજિત પવારે ગણપતિ બપ્પાના દર્શન કર્યા હતા અને પૂજાપાઠ પણ કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી એમએલસી મુંબઈની રેલવે ટ્રેક પર ચાલ્યા
સામાન્ય રીતે પવાર પરિવાર ધાર્મિક કાર્યક્રમોમાં ઓછા જોવા મળે છે, પરંતુ પહેલી વખત તમામ પ્રધાનો અને નેતાઓની સાથે મંદિર પહોંચ્યા હતા. અજિત પવારની સાથે પ્રફુલ પટેલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, સાંસદ સુનિલ તટકરે સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરીને અજિત પવારે કહ્યું હતું કે આજનો દિવસ શુભ છે. મંગળવાર ભગવાન ગણપતિનો દિવસ છે, તેથી મેં આ દિવસની પસંદગી કરી. અમારા તમામ પ્રતિનિધિઓને લઈને દર્શન કરવા અર્થે આજે આવ્યા હતા. સારી રીતે દર્શન થયા. ચૂંટણીમાં ગણપતિ બપ્પાના આશીર્વાદ મળશે એ સવાલના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે તમામ લોકો અહીં બપ્પાના દર્શન અને આશીર્વાદ અર્થે આવે છે, આજે પણ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. અમે પણ આશીર્વાદ માગ્યા છે, બપ્પા ચોક્કસ અમને આશીર્વાદ આપશે.
2024 લોકસભાની ચૂંટણીમાં મહાયુતિમાં હોવા છતાં પોતાને સેક્યુલર બતાવવાનો અજિત પવારનો દાવ કામ આવ્યો નહોતો. લોકસભાની ચૂંટણીમાં અજિત પવારને ભયંકર ફટકો પડ્યો હતો. અજિત પવાર ફક્ત એક જ સાંસદ જીત્યા હતા, જ્યારે એકનાથ શિંદે સાત બેઠક પર કબજો કરવામાં સફળ રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર મહાયુતિની સાથે વિકાસ અને હિંદુત્વના મુદ્દા પર ચૂંટણી લડશે.