આમચી મુંબઈ

સિનિયર સિટિઝનને ઠગનારા ત્રણ ઝડપાયા: 132 ગુનામાં વપરાયેલા 105 મોબાઇલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
70 વર્ષના સિનિયર સિટિઝનને વગર વ્યાજે લોન અપાવવાને નામે 1.14 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે વેસ્ટ રિજન સાયબર પોલીસે દિલ્હીથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

દિલ્હીના કૉલ સેન્ટરમાં રેઇડ પાડીને પકડવામાં આવેલા આરોપીઓ પાસેથી 105 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ દેશભરમાં 132 સાયબર ગુના આચરવા માટે થયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ શેહઝાદ લાલ મોહંમદ ખાન ઉર્ફે રહેમાન (30), અનુજ ઉત્તમસિંહ રાવત ઉર્ફે અનિલકુમાર યાદવ (30) અને મોહંમદ આમિર હુસેન (34) તરીકે થઇ હતી. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: જામનગરમાં નકલી પોલીસ અધિકારી બની ૧.૫૭ લાખની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર 28 ઑક્ટોબર, 2023થી 2 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદી સિનિયર સિટિઝનને આરોપીઓએ કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ દિલ્હીની ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી. તેમણે ફરિયાદીને કંપનીમાંથી વગર વ્યાજે લોન અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.

આરોપીઓએ ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે ફાઇનાન્સ કંપની તથા ખાનગી બૅંકનો લોગો તથા સ્ટેમ્પ ધરાવતા બોગસ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો તૈયાર કરીને મોકલ્યા હતા અને બાદમાં વિવિધ કારણો બતાવી ફરિયાદીને અલગ-અલગ બૅંક ખાતાંમાં 1.14 કરોડ રૂપિયા જમા કરવા માટે ફરજ પાડી હતી.

દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને તેની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ જે બૅંક ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, તેની વિગતો પોલીસે મગાવી હતી.

તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ દિલ્હીમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને આનંદ વિહાર વિસ્તારમાં ચાલતા કૉલ સેન્ટર પર સતત બે દિવસ નજર રાખ્યા બાદ ત્યાં રેઇડ પાડીને આરોપીઓને પકડી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી એક લેપટોપ ઉપરાંત 105 મોબાઇલ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દેશભરમાં 132 સાયબર ગુના આચરવા માટે કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાઇ હતી, એવું તપાસમાં જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button