સિનિયર સિટિઝને શૅર ટ્રેડિંગ ફ્રોડમાં ગુમાવ્યા 72.98 લાખ રૂપિયા
થાણે: બોગસ શૅર ટ્રેડિંગ સ્કીમોમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 70 વર્ષના સિનિયર સિટિઝન સાથે 72.98 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ થાણે પોલીસે બે વ્યક્તિ તેમ જ કંપની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદી મુંબઈનો રહેવાસી છે અને છેલ્લા પાંચ મહિનાથી તે થાણેમાં પોતાના ભાઇના ઘરમાં રહેતો હતો. આ સમયગાળામાં આરોપીઓએ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને શૅર ટ્રેડિંગ પર રોકાણ પર આકર્ષક વળતરનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો: મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ કૅપ્ટન સાથે રૂ. 11.16 કરોડનો શૅર ટ્રેડિંગ ફ્રોડ: કુર્લાનો યુવક પકડાયો
ફરિયાદીએ રોકાણ કર્યા બાદ તેને કોઇ વળતર મળ્યું નહોતું અને રોકેલા રૂપિયા પણ પાછા મળ્યા નહોતા.
ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમણે કૉલ રિસિવ કર્યા નહોતા અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ કાસારવડવલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે બે આરોપી તથા ઇન્વેસ્ટમેન્ટ કંપની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરી હતી.
(પીટીઆઇ)