ડિજિટલ એરેસ્ટ ફ્રોડ: સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે 71 લાખ પડાવ્યા…
વીડિયો કૉલ ચાલુ રાખી ફરિયાદીને રૂપિયા ટ્રાન્સફર કરવા બૅન્કમાં જવાની ફરજ પાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગ ટોળકીએ ગોરેગામના સિનિયર સિટિઝન પાસેથી 71.24 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઈન્ટરનૅશનલ પાર્સલમાં શંકાસ્દ વસ્તુઓ હોવાનું જણાવ્યા પછી ડિજિટલ એરેસ્ટની ધાક બતાવી ફરિયાદીને વીડિયો કૉલ ચાલુ રાખીને રૂપિયા ટ્રાન્સફર કરવા માટે બૅન્કમાં જવાની ફરજ પાડી હતી.
આ પણ વાંચો : 493 કરોડનો સિદ્ધિવિનાયક મંદિર પરિસર સુશોભિકરણ પ્રોજેક્ટ: આર્કિટેક્ટની નિમણૂક
ગોરગામ પશ્ર્ચિમમાં રહેતા અને બીકેસી ખાતેની ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા 61 વર્ષના સિનિયર સિટિઝનની ફરિયાદને આધારે નૉર્થ રિજન સાયબર પોલીસે શુક્રવારે બે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ફરિયાદીને કૉલ આવ્યો હતો. ફોન કરનારા શખસે પોતાની ઓળખ દિલ્હી ઍરપોર્ટના કસ્ટમ્સના અધિકારી તરીકે આપી હતી. ફરિયાદીના નામના ઈન્ટરનૅશનલ પાર્સલમાંથી 16 પાસપોર્ટ, 58 એટીએમ અને 180 ગ્રામ એમડી ડ્રગ મળ્યું હોવાનું અધિકારીએ કહ્યું હતું.
શંકાસ્પદ પાર્સલની સાથે ફરિયાદીનું નામ મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયું હોવાનું સાયબર ઠગે કહ્યું હતું. આ માટે ફરિયાદીની સીબીઆઈના અધિકારી સાથે વીડિયો કૉલ પર વાત કરાવવામાં આવી હતી. એરેસ્ટ વૉરન્ટ કાઢવામાં આવ્યું હોવાથી ડિજિટલ એરેસ્ટનો હાઉ ઊભો કરી ફરિયાદીને કાનૂની સકંજામાંથી બચવા બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ઉપનગરમાં ૬૯૮ રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ શરૂ
આરટીજીએસથી રૂપિયા ટ્રાન્સફર કરવા ચાલુ વીડિયો કૉલે ફરિયાદીને બૅન્કમાં જવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ 71.24 લાખ રૂપિયા ટ્રાન્સફર કરતાં જ ઠગે વીડિયો કૉલ કટ કરી નાખ્યો હતો. આ પ્રકરણે ફરિયાદીએ લેખિત ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.