લાઇસન્સ વિના દવાઓ વેચાણ: ભિવંડીની હોસ્પિટલમાં એફડીએની રેઇડ

થાણે: એફડીએ લાઇસન્સ મેળવ્યા વિના દવાઓનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ કરવા બદલ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) ભિવંડીની આરવ આંખની હોસ્પિટલમાંથી 91 પ્રકારની એલોપથી દવાઓ જપ્ત કરી હતી. હોસ્પિટલમાંથી જપ્ત કરાયેલી દવાઓની કિંમત રૂ. 85,000 છે.
એફડીએના અધિકારીએ જણાવ્યું હતું કે 9 જાન્યુઆરીએ એફડીએના કમિશનર અભિમન્યુ કાળે અને જોઇન્ટ કમિશનર વિજિલન્સ રાહુલ ખાડેની સૂચનાને પગલે ભિવંડીની આરવ હોસ્પિટલમાં રેઇડ પાડવામાં આવી હતી.
અધિકારીએ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો અને હોસ્પિટલના કાઉન્ટર પર હાજર મોહંમદ અન્સારીને એલોપથી દવાના લાઇસન્સ વિશે પૂછ્યું હતું. અન્સારીએ કહ્યું હતું કે તેની પાસે કોઇ લાઇસન્સ નથી. તેમણે અન્સારીને ફાર્મસિસ્ટ લાઇસન્સ વિશે પણ પૂછ્યું હતું. જોકે અન્સારી પાસે લાઇસન્સ નહોતું અને તેણે ગેરકાયદે દવાઓ વેચી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર તેમણે 91 પ્રકારની દવાઓ અને તેના વેચાણના બિલ જપ્ત કર્યાં હતાં. આ પ્રકરણે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.