ટ્રાન્ઝિટ કેમ્પનું મકાન જો વેચશો તો થશે જેલ: મ્હાડાએ લીધો મોટો નિર્ણય
મુંબઈ: ટ્રાન્ઝિટ કેમ્પનું મકાન અંદરોઅંદર વેચીને મ્હાડાને ચૂનો ચોપડનારા પર હવે મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)એ લગામ ખેંચી છે.
મ્હાડાએ આવા લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ઉચાપતનો કેસ કરવાનો નિર્ણય લીધો છે. એવામાં ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેનારા લોકો હવે ગભરાયા છે. અહીં નોંધવું ઘટે કે જૂના બિલ્ડિંગોના પુનર્વિકાસ માટે એ વિસ્તારના રહેવાસીઓની અસુવિધાથી બચવા માટે સંબંધિત રહેવાસીને ટ્રાન્ઝિટ કેમ્પમાં અસ્થાયી ઘર આપવામાં આવે છે, પણ અમુક લોકો તો તેને વેચી જ નાખતા હોવાનું મ્હાડાના ધ્યાનમાં આવ્યું હતું. આને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ બધાં કારણોને લઇ હવે મ્હાડા દ્વારા એક નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જળગાંવની કેમિકલ ફેક્ટરીમાં આગઃ એકનું મોત અને અનેક દાઝ્યાં
નવા નિર્દેશ અનુસાર જો કોઇ રહેવાસીએ ટ્રાન્ઝિટ કેમ્પમાં ઘર લીધું હોય અને તેને ઘરની જરૂરિયાત ન હોય તો કે પછી પોતાની બિલ્ડિંગના પુનર્વિકાસ પછી ઘરમાં ન રહેવા માગતા હોય તો તેણે ટ્રાન્ઝિટ કેમ્પમાં તેના કબજાવાળા ઘરને મ્હાડાને પાછું આપવું પડશે.
ઘરને અંદરોઅંદર વેચીને એક રીતે મ્હાડાને આર્થિક રૂપે ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય મ્હાડાએ કર્યો છે.