આમચી મુંબઈમહારાષ્ટ્ર

અરે દેવાઃ શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટને જપ્તીની નોટિસ ફટકારાઈ, જાણો શું છે મામલો?

મુંબઈઃ એરપોર્ટ ઓથોરિટી (AI), મુખ્ય પ્રધાન (CM Ekanth Shinde) એકનાથ શિંદે, પાલક પ્રધાન અને સરકાર સાથે અનેક વખત ફોલોઅપ કરવા છતાં વેરાની બાકી રકમ ભરવામાં ન આવી હોવાથી ગ્રામ પંચાયતે શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટને જપ્તીની નોટિસ મોકલી છે. ગ્રામ પંચાયતે ટર્મિનલ બિલ્ડિંગ, પેટ્રોલ પંપ અને એટીસી ટાવર સહિતની મિલકતો જપ્ત કરવા માટે વોરંટ જારી કર્યું છે.

શિરડી સ્થિત સાંઈબાબા દેવસ્થાનમ દેશભરમાં પ્રખ્યાત છે. દેશભરમાંથી શિરડીમાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી શિરડી જેવા નાનકડા શહેરને સરસ રીતે વિકસાવવામાં આવ્યું છે. ભક્તગણની સગવડ માટે એક રેલવે સ્ટેશન અને એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને સુજલામ સુફલામ કરવા એકનાથ શિંદેનો મોટો નિર્ણય

હવે આ જ શિરડી એરપોર્ટને નોટિસ ફટકારવામાં આવી છે. શિરડી એરપોર્ટને ટેક્સ ન ભર્યો હોવાથી શિરડી ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી છે. આ નોટિસ મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ 1958ની કલમ 129 હેઠળ જારી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

શિરડી એરપોર્ટ કોપરગાંવ તાલુકાના કાકડી – મલ્હારવાડી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવે છે. એરપોર્ટ ઓથોરિટીએ કાકડી ગ્રામ પંચાયતને 8 કરોડ 30 લાખ રૂપિયાનો ટેક્સ ન ભર્યો હોવાથી ગ્રામ પંચાયતે જંગમ મિલકત ટાંચમાં લેવા માટે શિરડી એરપોર્ટ પ્રશાસનને વોરંટ જારી કર્યું છે.

2017થી એરપોર્ટ પ્રશાસન તરફથી વિવિધ પ્રકારના ટેક્સ ચૂકવવાના બાકી છે. વારંવાર તાકીદ કરવા છતાં બાકી નીકળતી રકમ ભરવામાં ન આવી હોવાથી ગ્રામ પંચાયતે આ પગલું ભર્યું છે. ચાર દિવસની મુદત આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button