‘માતોશ્રી’ નજીક ભાંગફોડની ધમકીથી સુરક્ષા વધારાઈ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી નજીકના પરિસરમાં ભાંગફોડની કથિત ધમકી આપતો ફોન મુંબઈ પોલીસને આવતાં માતોશ્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ રવિવારની સાંજે મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં અજાણ્યા શખસે કૉલ કરી માતોશ્રી નજીક ભાંગફોડની શક્યતાની માહિતી આપી હતી. કૉલ કરનારા શખસે પોલીસને જણાવ્યું હતું કે ઠાકરેના નિવાસસ્થાન નજીક ભાંગફોડ અંગે ચારથી પાંચ જણના જૂથને ચર્ચા કરતાં તેણે સાંભળ્યું હતું.
ફોન કરનારા શખસના કહેવા મુજબ તે મુંબઈ-ગુજરાત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તે સમયે એક જૂથ ઉર્દૂમાં વાતચીત કરી રહ્યું હતું, જેમાં ભાંગફોડ સંબંધિત યોજનાનો ઉલ્લેખ થયો હતો.
ફોન કૉલને ગંભીરતાથી લઈ પોલીસે માતોશ્રી આસપાસના પરિસરમાં તપાસ કરી હતી. સતર્કતા ખાતર સંબંધિત પરિસરની સુરક્ષાવ્યવસ્થા વધારવામાં આવી હતી.
પોલીસ ફોન કરનારા શખસને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાંગફોડની ધમકીની માહિતી આપ્યા પછી શખસનો ફોન સ્વિચ ઑફ્ફ આવતો હોવાનું પોલીસનું કહેવું છે.