‘બગાસુ ખાતા મોંમા પતાસુ આવ્યું: સેકન્ડ હેન્ડ દુકાનમાંથી સસ્તા બૂટ ખરીદ્યા, વાસ્તવિક કિંમત જાણીને મહિલા ચોંકી ગઇ

મુંબઈ: ‘બગાસુ ખાતા, મોંમા પતાસુ આવવું’ આવી કહેવત જેવી ઘટના ઘણીવાર આપતા રોજિંદા જીવનમાં ઘટતી હોય છે. જીવનમાં ક્યારેક અણધારી રીતે નસીબ ખરેખર સ્મિત કરી જાય છે. કંઈક આવું જ એક મહિલા સાથે થયું જેણે વિચાર્યું કે તે થ્રિફ્ટ સ્ટોરમાંથી માત્ર સસ્તા સેકન્ડ હેન્ડ બૂટ ખરીદી રહી છે, પરંતુ બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યો કે તેને મોટો જેકપોટ લાગ્યો છે.
‘રેડ સોલ’ જોઈને મહિલા ચોંકી ગઈ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મહિલાએ પોતાનો એક કિસ્સો શેર કર્યો છે. જે જીવનમાં આવનારી અણધારી ખુશીનું ઉદાહરણ છે. મહિલાએ જણાવ્યું કે, તાજેતરમાં તેણીએ કાળા ચામડાના બૂટની જોડી માત્ર 17.99 ડોલર (લગભગ રૂ. 1,350)માં ખરીદી હતી. તેણીએ આ બૂટ માત્ર સારી ગુણવત્તા જોઈને ખરીદ્યા હતા. જોકે, અચાનક તેનું ધ્યાન બૂટના સોલ પર પડ્યું, જે લાલ રંગનો હતો.
આપણ વાચો: ક્લોઝ અપ : આજનાં જુવાન હૈયાંઓનું લીલુછમ્મ ‘ઈલ્લુ…ઈલ્લુુ’!
આ અંગે મહિલાએ લખ્યું કે, “પછી અચાનક મેં જોયું કે સોલ લાલ હતો… અને મને ખ્યાલ આવ્યો કે તે ક્રિશ્ચિયન લુબાઉટિન હતા.” થોડી વધુ શોધ કર્યા પછી, મહિલાને જાણવા મળ્યું કે આ બૂટ પ્રખ્યાત ‘En Hiver Lug Low’ મોડેલના હતા. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ક્રિશ્ચિયન લુબાઉટિનની સત્તાવાર વેબસાઇટ પર આ બૂટની કિંમત લગભગ £1,260 (અંદાજે રૂ. 1.3 લાખ) જેટલી હતી. માત્ર રૂ.1,350માં ખરીદેલા બૂટ સો ગણા વધુ મૂલ્યવાન હોવાનું બહાર આવ્યું અને મહિલાની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
ક્રિશ્ચિયન લુબાઉટિનની વિશેષતા
ક્રિશ્ચિયન લુબાઉટિન 1990ના દાયકાથી સ્ટાઇલ અને ભવ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. આ બ્રાન્ડ ખાસ કરીને તેના ‘રેડ સોલ’ શૂઝ માટે જાણીતી છે, જે તેને અન્ય લક્ઝરી બ્રાન્ડ્સથી અલગ પાડે છે.
ખુશખુશાલ મહિલાએ મજાકમાં લખ્યું, “મેં વિચાર્યું હતું કે હું ફક્ત સસ્તા બૂટ ખરીદી રહી છું, પરંતુ તે વાસ્તવિક લૂબાઉટિનના બૂટ હતા બન્યા! ભાગ્યએ અજાયબીઓનું કામ કર્યું છે.” આ કિસ્સો દર્શાવે છે કે, આપણને ક્યારેક જીવનમાં ખુશી અને વૈભવી આશ્ચર્ય ત્યાં મળે છે જ્યાં આપણે ઓછામાં ઓછી અપેક્ષા રાખતા હોઈએ છીએ.



