પાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાંચ દિવસના મુશળધાર વરસાદને પગલે મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ગયો

પાંચ દિવસમાં ૮૭૦ મિ.મી. વરસાદ: ૨૦૨૦ પછીનો સૌથી વધુ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને સતત બે દિવસ સુધી બાનમાં લેનારા મેઘરાજાએ આખરે બુધવારે પોરો ખાતા મુંબઈગરાએ રાહત અનુભવી હતી. સોમવારથી મંગળવાર સુધીના ૪૮ કલાકમાં થયેલી અતિવૃષ્ટિમાં અમુક વિસ્તારોમાં ૩૦૦ મિ.મી. કરતા પણ વધુ તો અમુક વિસ્તારોમાં ૨૦૦ મિ.મી. કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. તો છેલ્લાં પાંચ દિવસમાં મુંબઈમાં સરેરાશ ૮૭૫.૧ મિ.મી. જેટલો વરસાદ પડયો છે, જે ૨૦૨૦ પછીનો સૌથી વધુ વરસાદ છે.

મુંબઈમાં શુક્રવારથી મુશળધાર વરસાદ ચાલુ થયો હતો, તેને કારણે પાંચ દિવસમાં ૮૭૦ મિ.મી. એટલે કે ૩૫ ઈંચ જેટલો વરસાદ પડયો છે. તેમાં પણ સોમવાર અને મંગળવાર એમ સતત બે દિવસ પડેલા વરસાદને પગલે મુંબઈમા જનજીવન ખોરવાઈ ગયું હતું. જોકે બુધવારે વરસાદનું જોર ઘટી જતા જનજીવન સામાન્ય થયું હતું. લોકલ ટ્રેન પણ નિયમિત થઈ હતી.
મુંબઈમાં મંગળવાર સવારના ૮.૩૦ વાગ્યાથી બુધવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં દક્ષિણ મુંબઈમાં ૧૩૧.૫૧ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૧૫૯.૬૬ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૫૦.૬૦ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં વરસાદ પડતો હોય છે અને ચોમાસાની વિદાયને હજી મહિનો હજી બાકી છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં થયેલી અતિવૃષ્ટિને પગલે સાંતાક્રુઝમાં ચોમાસાનો મોસમનો સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મુંબઈમાં ઑગસ્ટનું પહેલું પખવાડિયું લગભગ કોરું ગયા બાદ ૧૫ ઑગસ્ટના રાતથી વરસાદ ફરી શરૂ થયો હતો જે મંગળવાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

શુક્રવાર, ૧૫ ઑગસ્ટથી ત્રણ દિવસ સુધી મુંબઈમાં સરેરાશ ૨૦૦ મિ.મી. કરતા વધુ વરસાદ પડયો હતો, જેમાં ૧૬ ઑગસ્ટની સવારે શહેરમાં ૨૪૫ મિ.મી. વરસાદ પડયો હતો. ત્યારબાદ ૧૯ ઑગસ્ટના રોજ ૨૩૮ મિ.મી. વરસાદ પડયો હતો અને મંગળવારથી બુધવાર સવાર સુધીમાં ૨૦૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

આ વર્ષે ચોમાસાનું આગમન મે મહિનામાં જ થઈ ગયું હતું. આ બાદ જૂન અને જુલાઈ મહિનામાં મામૂલી વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં સતત બે મહિના સુધી વરસાદની ખાધ રહી હતી. તો કોલાબામાં જૂન મહિનામાં ૫૩૭ મિ.મી. વરસાદ પડયો હતો. તો સાંતાક્રુઝમાં માત્ર ૫૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં સામાન્ય રીતે જુલાઈ મહિનો એકદમ ભીનો રહેતો હોય છે પણ આ વર્ષે મુંબઈમાં જુલાઈમાં માત્ર ૭૯૮ મિ.મી. વરસાદ પડયો હતો, જે ૨૦૧૫ પછીનો સૌથી સૂકો જુલાઈ રહ્યો છે.

જુદી જુદી સિસ્ટમ સક્રિય

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ છેલ્લા છેલ્લા થોડા દિવસોમાં અનેક વેધર સિસ્ટમ સક્રિય હતી અને તેમના મિશ્રણને કારણે ભારે માત્રામાં ભેજ આવ્યો હતો અને ભારે વરસાદ પડયો છે. અનેક સિસ્ટમ ચોમાસા માટે અનુકુળ હતું, જેમાં મોન્સુન ટ્રફ, ડીપ્રેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ સક્રિય રહ્યા હતા અને તેને કારણે ચોમાસું ફરી સક્રિય થયું હતું.

કોલાબામાં વરસાદની ખાધ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચાર મહિનામાં સાંતાક્રુઝમાં સરેરાશ ૨,૩૧૯ મિ.મી. વરસાદ નોંધાતો હોય છે, જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં સાંતાક્રુઝમાં ૨,૩૧૧ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. જોકે કોલાબામાં હજી સુધી વરસાદની ખાધ છે. જૂનથી અત્યાર સુધી કોલાબામાં માત્ર ૧,૫૧૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.

પાંચ દિવસમાં ૮૮૦ મિ.મી. વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૫ ઑગસ્ટથી ૨૦ ઑગસ્ટ સુધી શહેરમાં ૮૮૦ મિ.મી. વરસાદ પડયો છે, જે ઑગસ્ટ, ૨૦૨૦ પછીનો સૌથી વધુ વરસાદ રહ્યો છે, જયારે સાંતાક્રુઝમાં આ મહિના દરમ્યાન ૧,૨૪૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.

શુક્રવારથી વરસાદનું જોર ઘટશે

સતત પાંચ દિવસ અતિવૃષ્ટિ બાદ બુધવારે વરસાદનું જોર ઘટયું હતું. સોમવાર અને મંગળવારે મુંબઈમાં રેડ અલર્ટ રહ્યા બાદ બુધવારે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું હતું. બુધવારે થાણેમાં રેડ અલર્ટ આપ્યું હોઈ દિવસ દરમ્યાન ભારે વરસાદ રહ્યો હતો. ગુરુવાર માટે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ચેતવણી છે, જેમાં મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ માટે યલો અલર્ટ રહેશે. તો શુક્રવારથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં વરસાદની પ્રવૃતિમાં ઘટાડો થવાની ધારણા છે.

ભરતીને પગલે પાણી ભરાયા

મુંબઈને મંગળવારે અતિવૃષ્ટિએ ઠપ્પ કરી દીધી હતી. સવારના સમયે ૯.૩૦ વાગ્યાથી દરિયામાં મોટી ભરતી હતી અને એ સમયે જ મુશળધાર વરસાદ પડયો હતો, તેેને કારણે વરસાદના પાણીનો નિકાલ ઝડપથી થઈ શકયો નહોતો. છતાં પાલિકાના દ્વારા વધારાના પંપ બેસાડવાની સાથે જ તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.

ડિઝાસ્ટર કંટ્રોલમાં ફોનનો મારો

મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને પગલે અનેક ઠેકાણે પાણી ભરાવાની સાથે જ ઝાડ તૂટી પડવા, ઘરની દિવાલ, ઝાડની ડાળખી તૂટી પડવા સહિત ટ્રાફિક જૅમ જેવી અનેક મુશ્કેલીઓ નિર્માણ થઈ હતી. સતત ૪૮ કલાક પડેલા ભારે વરસાદ દરમ્યાન પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલમાં ૩,૫૦૦થી વધુ ફોન મદદ માગતા આવ્યા હતા. એનડીઆરએફ, મુંબઈ ફાયરબ્રિગેડ, મુંબઈ ડિઝાસ્ટર કંટ્રોલે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં કુર્લાના ક્રાંતિ નગરમાં ૩૫૦ નાગરિકોને બહાર કાઢયા હતા.

વરસાદના પાણીમાં ચાલેલા લોકોને લેપ્ટોનો ભય

મુંબઈમાં ભારે વરસાદને પગલે ઘૂંટણભેર પાણી ભરાયા હતા, જેમાં સેંકડ મુંબઈગરા પગે ચાલીને ગયા હતા. જે લોકોને પગમાં ઈજા હોય અને વરસાદના ગંદા પાણીમાં કલાકો સુધી ચાલ્યા હોય તેમને લૅપ્ટો થવાનું જોખમ છે. તેથી આવા લોકોને ૨૪થી ૭૨ કલાકની અંદર વેદ્યકિય સલાહ લઈને પ્રતિબંધાત્મક દેવા લેવાની સૂચના પાલિકાના આરોગ્ય ખાતાએ આપી છે.

આ પણ વાંચો…કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button