આમચી મુંબઈ

વિદર્ભમાં ધગધગતી ગરમી: ચંદ્રપુરમાં તાપમાનનો પારો ૪૫.૮

મુંબઈમાં હીટવેવની ચેતવણી છતાં થોડી રાહત

મુંબઈ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી આગ ઝરતી ગરમી પડી રહી છે. વિદર્ભમાં હીટવેવની ચેતવણી હોવાની સાથે હાયએલર્ટ આપવામાં આવ્યું છે. હાલ વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૨થી ૪૬ ડિગ્રીની આસપાસ પારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે ચંદ્રપુરમાં ૪૫.૮ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. તો મુંબઈમાં હીટવેવની ચેતવણી હોવા છતાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની નીચે નોંધાયો હતો. જોકે દિવસ દરમ્યાન મુંબઈગરાએ ગરમી અને ઊકળાટનો અનુભવ કર્યો હતો.

મુંબઈમાં ૨૨ એપ્રિલ માટે હવામાન ખાતાએ હીટવેવની ચેતવણી આપી હતી. તેથી તાપમાન ઊંચું નોંધાવાની શક્યતા હતી. તેમ જ હવામાન ખાતાએ પણ યલો એલર્ટ આપી નાગરિકોને સાવચેતીના પગલાં લેવાની અપીલ કરી હતી. જોકે મુંબઈમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની નીચે જ નોંધાયો હતો, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અને ઊકળાટનો અનુભવ થયો હતો. દિવસના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૫ ડિગ્રી તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા નોંધાયું હતું, જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી તથા ભેજનું પ્રમાણ ૭૫ ટકા નોંધાયું હતું.

આ દરમ્યાન રાજ્યમાં વિદર્ભ અને મરાઠવાડામાં હીટવેવની અસર હેઠળ આકરો ઉનાળો જણાઈ રહ્યો છે. વિદર્ભનું ચંદ્રપુર ૪૫.૮ ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. આ અગાઉ રવિવાર અને સોમવાર સતત બે દિવસ ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહ્યું હતું. તો બ્રહ્મપુરીમાં ૪૫.૨ ડિગ્રી, અકોલામાં ૪૪.૮ ડિગ્રી, અમરાવતીમાં ૪૪.૪ ડિગ્રી, વર્ધા અને નાગપુરમાં ૪૪.૨ ડિગ્રી, યવતમાળમાં ૪૪.૦ ડિગ્રી, વાશિમમાં ૪૩.૫ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જયારે મરાઠવાડાના ઔરંગાબાદમાં ૪૧.૬ ડિગ્રી, ઉસ્મનાબાદમાં ૪૨.૫ ડિગ્રી અને પરભણીમાં ૪૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો મધ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં ૪૩.૪ ડિગ્રી, લોહગાંવમાં ૪૩.૨ ડિગ્રી, માલેગાંવ અને જળગાંવમાં ૪૨.૮ ડિગ્રી, અહમદનગર અને પુણેમાં ૪૧.૨ ડિગ્રી, નાશિકમાં ૪૦.૫, સાંગલીમાં ૪૦.૮, સતારામાં ૪૦.૯ ડિગ્રી અને હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૩૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ વિદર્ભમાં હજી પાંચ દિવસ હીટ વેવની અસર વર્તાશે.

ગરમીમાં બહાર નીકળવા પહેલા આ કરો:

અગત્યનું કામ ન હોય તો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું, ઘરથી બહાર નીકળવા સમયે સાથે પાણીની બાટલી રાખવી, રસ્તા પર મળતા થંડા પાણી, લીંબુના શરબત પીવાનું ટાળવું, માથા પર ટોપી પહેરવી અથવા છત્રી સાથે રાખવી, શરીર આખું ઢંકાઈ જાય તેવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળવું.

ગરમીમાં હેપેટાઈટીસના દર્દીની સંખ્યામાં વધારો

ઉનાળામાં ગરમીને કારણે તરસ વધારે લાગે છે ત્યારે લોકો બહાર વેચાતા ઠંડા પીણા, શરબત, છાસ વગેરેનું સેવન કરે છે, તેને કારણે ઊલટી, જુલાબ અને કમળો થવાની શકયતા હોવાથી આ પીણા પીવાનું શક્ય હોય તો ટાળવાની અપીલ આરોગ્ય વિભાગે કરી છે. બહાર વેચતા આ પીણા દૂષિત પાણીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, તેને કારણે હેપેટાઈટીસ એસ અને હેપેટાઈટીસ ઈ-નો ચેપ લાગવાની શક્યતા છે. મુંબઈમાં છેલ્લા થોડા દિવસમાં હેપેટાઈટીસના દર્દીની સંખ્યામાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો હોવાનું પણ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આ પણ વાંચો… મુંબઈમાં આજે હીટવેવ: ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button