શાળાના વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદમાં યુવકની હત્યા: ચારની ધરપકડ

થાણે: શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો વિવાદ રસ્તા પરની મારમારીમાં પરિણમતાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો હોવાની ઘટના થાણે જિલ્લાના દીવા ખાતે બની હતી. પોલીસે ચાર સગીર સહિત આઠ જણ વિરુદ્ધ ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી.
મુંબ્રા પોલીસના જણાવ્યા મુજબ ઘટના પહેલી ડિસેમ્બરે દીવાના ગણેશ નગર વિસ્તારમાં બની હતી. એ જ પરિસરમાં રહેતા અભિજિત પાટીલ (20), સુમિત ગાવડે (21) અને એક સગીર પર છરાથી હુમલો થયો હતો. ગંભીર ઇજાને કારણે પાટીલનું મૃત્યુ થયું હતું, જ્યારે ગાવડે અને સગીરને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આપણ વાચો: બંજારા અનામતની માંગણીને લઈને યુવકે જીવનનો અંત આણ્યો
અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ પ્રતીક સપકાળ (18), સ્વયંમ પાટીલ (18), ચેતન ગાયકવાડ (20) અને સ્વતેજ જાધવ (18)ની અટકાયત કરાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા ચાર સગીરને પણ તાબામાં લેવાયા હતા. હુમલામાં વપરાયેલો છરો હસ્તગત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગણેશ નગરમાં રહેતા બે સગીર પહેલી ડિસેમ્બરે વાળ કપાવવા સલૂનમાં જઈ રહ્યા હતા. તે સમયે શાળામાં થયેલા વિવાદને મુદ્દે કેટલાક વિદ્યાર્થીઓએ બન્નેની મારપીટ કરી હતી. આ બાબતની જાણ અભિજિત પાટીલને થતાં બન્ને મિત્ર સાથે તે મારપીટ કરનારા સગીરોની પૂછપરછ કરવા ગયો હતો.
કહેવાય છે કે પૂછપરછ કરવા બદલ આરોપી સગીર અને તેના સાથીઓએ પાટીલ અને તેના બન્ને મિત્રોની મારપીટ કરવા માંડી હતી. એ વખતે એક સગીરે છરાથી હુમલો કર્યો હતો, જેમાં અભિજિતનું મૃત્યુ થયું હતું.



