ફી ન ભરી શકવાને કારણે વિદ્યાર્થીનું અપમાન કરવા પ્રકરણે પ્રિન્સિપાલ, શિક્ષક વિરુદ્ધ ગુનો…

થાણે: ભિવંડીમાં આવેલી ઉર્દૂ માધ્યમની શાળામાં ફી ન ભરી શકવાને કારણે 14 વર્ષના વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જમીન પર બેસીને યુનિટ ટેસ્ટ આપવા માટે દબાણ કરવા બદલ મહિલા પ્રિન્સિપાલ અને શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીનો પિતા રિક્ષાચાલક હોઇ તેણે આરોપ કર્યો હતો કે શાળામાં થયેલા અપમાનને કારણે તેના પુત્રના મગજ પર અસર થઇ છે. પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર શિક્ષક અહમદુલ્લા અને પ્રિન્સિપાલ ખાન અતિહાએ 10મા ધોરણના વિદ્યાર્થીને 3 અને 4 ઑક્ટોબરના રોજ ક્લાસરૂમમાં જમીન પર બેસીને યુનિટ ટેસ્ટ આપવા માટે દબાણ કર્યું હતું, કારણે તે તેના પિતા ફી ભરી શક્યા નહોતા.
ફરિયાદમાં જણાવાયું હતું કે આ ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ વારંવાર શાળાના સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો હતો, પણ આ અંગે કોઇ પગલાં ન લેવાતાં તેણે બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે આ પ્રકરણે શાળાના કર્મચારીઓ અને સાક્ષીદારોનાં નિવેદન નોંધ્યા હતાં. (પીટીઆઇ)