શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પોલીસને જાણ ન કરનારી પ્રિન્સિપાલની ધરપકડ
થાણે: શાળામાં અજાણ્યા શખસ દ્વારા 10 વર્ષની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવામાં આવ્યો હોવાની ઘટનાની જાણ પોલીસને ન કરવા બદલ મુંબ્રાની ખાનગી શાળાની પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના મંગળવારની સવારે મુંબ્રા પરિસરમાં આવેલી ખાનગી શાળામાં બની હતી. પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં એકલી હતી ત્યારે યુવાન ત્યાં આવ્યો હતો. તેણે શોર્ટ્સ અને બ્લ્યુ ટી-શર્ટ પહેર્યા હતા. વિદ્યાર્થિનીનો કથિત વિનયભંગ કરી તેની સામે અશ્ર્લીલ ચાળા પણ કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડરી ગયેલી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકતાં યુવાન ત્યાંથી નાસી ગયો હતો. બાળકીની બુમરાણ સાંભળી શાળાના શિક્ષકો અને સ્ટાફ દોડી આવ્યા હતા. મહિલા પ્રિન્સિપાલ પણ ત્યાં આવી પહોંચી હતી. પ્રિન્સિપાલે પૂછપરછ કરતાં વિદ્યાર્થિનીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.
એફઆઈઆર અનુસાર પ્રિન્સિપાલ બાદમાં આરોપી સાથે વાતચીત કરતી નજરે પડી હતી. વિદ્યાર્થિનીને શાળામાં મૂકવા આવ્યો હોવાનું આરોપીએ પ્રિન્સિપાલને કહ્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
વિદ્યાર્થિનીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ વડીલોને કરી હતી. વડીલોએ પોલીસનો સંપર્ક સાધી યુવાન અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી ઘટનાની જાણ ન કરવા બદલ પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી.
આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની શોધ ચલાવાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)