વિદ્યાર્થીનું અપહરણ કરવાની ધમકી આપી પરિવાર પાસે ખંડણી માગી: સ્કૂલ બસનો ડ્રાઈવર પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વિદ્યાર્થીનું અપહરણ કરવાની ધમકી આપી પરિવાર પાસે ખંડણી માગી: સ્કૂલ બસનો ડ્રાઈવર પકડાયો

થાણે: પંદર વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરવાની ધમકી આપીને તેના પરિવાર પાસે ચાર લાખ રૂપિયાની ખંડણી માગવા બદલ પોલીસે સ્કૂલ બસના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. વિદ્યાર્થી રોજ બસમાં સ્કૂલે જતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-1) રાહુલ ચવાણે જણાવ્યું હતું કે કાશીમીરા વિસ્તારમાં મોબાઇલ ફોન તથા સિમ કાર્ડની દુકાન ધરાવતા આરોપીએ ઝડપથી રૂપિયા કમાવા માટે ખંડણીની યોજના બનાવી હતી.

આપણ વાચો: ખંડણી વસૂલવા મહિલાના સ્વાંગમાં વિધાનસભ્યને બ્લૅકમેઈલ કરનારો પકડાયો

કાશીમીરામાં રહેતા વિદ્યાર્થીની માતાના મોબાઇલ પર શનિવારે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં ચાર લાખ રૂપિયા ન આપે તો વિદ્યાર્થીનું અપહરણ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ વિદ્યાર્થીની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થીની માતાને જે નંબર પરથી મેસેજ મોકલાયો હતો, તે ટ્રેસ કરીને પોલીસ આરોપીની દુકાને પહોંચી હતી. આરોપીએ તેના એક ઓછા ભણેલા ગ્રાહકનું સિમ કાર્ડ લીધું હતું અને તેને એક્ટિવ કર્યા બાદ વિદ્યાર્થીના પરિવારને વ્હૉટ્સઍપ પર ધમકીનો મેસેજ મોકલ્યો હતો.

આપણ વાચો: ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટરને ‘ડી’કંપનીના નામે 10 કરોડ ખંડણી આપવા ધમકી

આરોપી પાસે વિદ્યાર્થીનો ફોટો હતો, જેનો તેણે ઉપયોગ કરીને તેની માતાને ખંડણીનો મેસેજ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન પોલીસે બસ ડ્રાઇવર હરિરામ સોમા (37)ને તાબામાં લઇ પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. કાશીમીરામાં રહેતા આરોપીની રવિવારે ધરપકડ કરાઇ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ફરિયાદ મળ્યા બાદ અમે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ અન્ય ચાર વિદ્યાર્થીના કુટુંબને પણ નિશાન બનાવ્યા હતા. આ વિદ્યાર્થી આરોપીની બસમાં સ્કૂલે જતા હતા. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button