WATCH: Ghatkopar Hoarding Tragedy: 16 સેકંડના એ વીડિયોમાં જોવા મળ્યો ભયાનક મંઝર…
મુંબઈઃ સોમવારે મુંબઈના ઘાટકોપર ખાતે હોર્ડિંગ (Ghatkopar Hoarding Tragedy) પડી જવાને કારણે થયેલી દુર્ઘટનામાં 16 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો અને આ મામલામાં દરરોજ નવા નવા ખુલાસા થતાં રહે છે. હવે આ મામલે એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં છેલ્લી 16 સેકન્ડમાં શું બન્યું હતું એ બયાં કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ કેવો હતો દુર્ઘટના પહેલાંનો 16 સેકન્ડનો નજારો…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો એક્સિડન્ટ સાઈટ પરથી પસાર થઈ રહેલાં એક કારચાલક દ્વારા પોતાના મોબાઈલમાં શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને અચાનક જ મસમોટું તોતિંગ હોર્ડિંગ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર પડતું દેખાઈ રહ્યું છે. આ મંજર ખૂબ જ ભયાનક દેખાઈ રહ્યો છે. પલકવારમાં તો આખું તોતિંગ વિશાળકાય પેટ્રોલ પંપ પર પડી જાય છે અને કંઈ સમજાય એ પહેલાં તો કેટલાક નિર્દોષ લોકો આ હોર્ડિંગની નીચે ફસાઈ જાય છે.
પોલીસ દ્વારા આ મામલે ગુનો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડે (Bhavesh Bhide) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ દુર્ઘટનાના દિવસથી જ ભાવેશ ભિડે તેના પરિવાર સાથે ફરાર થઈ ગયો છે જેને કારણે પોલીસને આ મામલામાં એક એક પણ ધરપકડ કરવામાં સફળતા મળી નથી. દરમિયાન ભાવેશ ભિડેના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે પણ સારા સંબંધ હોવાની ચર્ચા ચાલી રહી છે.
હોર્ડિંગ દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસન પણ સફાળું જાગી ઉઠ્યું છે અને તેમણે પણ મુંબઈમાં આ રીતે લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. એક્સિડન્ટ સાઈટની આસપાસમાં જ આવા ત્રણ ગેરકાયદે હોર્ડિંગ મળી આવ્યા હતા જેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે.