સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ભંડોળ ફાળવણી અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી…
નવી દિલ્હી: નિયમોનો અમલ ન થયો હોવાથી નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે શુક્રવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ભંડોળ ફાળવવામાં નિષ્ફળ રહેવા બદલ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માટે રાજ્યની ફરજ છે.
આ પણ વાંચો : જળ જીવન મિશનઃ પાણી પુરવઠાના બાકી કામ માટે વસઈ – વિરાર પાલિકાની બેઠક
ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આવશ્યક પ્રોજેક્ટ્સ માટે કોઈ ભંડોળ ઉપલબ્ધ નથી એવા મહારાષ્ટ્રના અગાઉના વલણ બદલ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
ખંડપીઠે રાજ્યને એક વિગતવાર સોગંદનામું રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. આ સોગંદનામામાં ભંડોળ ક્યારે ફાળવવામાં આવશે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016નું પાલન કરતી મહારાષ્ટ્રની પાલિકાની સંખ્યાનો ઉલ્લેખ કરવા જણાવવાનું રહેશે. સોગંદનામું 21 ફેબ્રુઆરી સુધીમાં દાખલ કરવામાં આવશે.
અધિકારીએ ખંડપીઠને ખાતરી આપી હતી કે આગામી નાણાકીય વર્ષમાં ભંડોળ ફાળવવામાં આવશે અને બંને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલોને એપ્રિલ 2024 સુધીમાં મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો : મુંબઈકરોને લાઉડસ્પીકરના ઘોંઘાટથી છુટકારો મળશે! હાઈ કોર્ટે સરકાર કડક નિર્દેશો આપ્યા
જોકે, ખંડપીઠે કહ્યું હતું કે ખાતરી શરતી છે અને તેમાં સ્પષ્ટતાનો અભાવ છે અને કહ્યું હતું કે સોગંદનામામાં સંકેત આપવામાં આવ્યો છે કે ભંડોળની ફાળવણી અન્ય પ્રોજેક્ટ્સ અથવા બચતને રદ કરવા પર આધારિત છે. સુપ્રીમ કોર્ટ પુણેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ સામે વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની 2023ની અપીલની સુનાવણી કરી રહી હતી.