સુપ્રીમ કોર્ટે 27 ટકા ઓબીસી ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાનો માર્ગ ખુલ્લો કર્યો: ભુજબળ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવું નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી ઓબીસી માટે 27 ટકા ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો માર્ગ હવે ખૂલી ગયો છે.
‘સુપ્રીમ કોર્ટે છઠી મેના આદેશમાં જ નિર્દેશ આપ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ 2017ના ઓબીસી ક્વોટા મુજબ યોજવામાં આવે. આ નિર્દેશની સોમવારે પુષ્ટિ કરવામાં આવી હતી. હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓમાં સંપૂર્ણ ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે,’ એમ ફડણવીસે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2022ના વોર્ડ સીમાંકનના કાયદાને રદ કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના પ્રધાન અને એનસીપી નેતા છગન ભુજબળે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી અનામતને પડકારતી અને 2022 પહેલાની વોર્ડ રચનાને ફરીથી લાગુ કરવાની માગણી કરતી અરજીઓને ફગાવી દેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી હતી.
‘સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી અનામતના અમલ આડે રહેલા અવરોધો દૂર થયા છે,’ એમ ભૂજબળે કહ્યું હતું. મીડિયાને સંબોધતા ભુજબળે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઘણી અરજીઓ ફગાવી દીધી છે, જેમાં એક ઓબીસી અનામતનો વિરોધ કરતી હતી અને બીજી 2022 પહેલાની વોર્ડ રચનાને ફરીથી લાગુ કરવાની માગણી કરતી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ અરજીઓ વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ઓબીસી અનામતને યોગ્ય ઠેરવવા માટે પૂરતો અનુભવજન્ય (ઈમ્પેરિકલ) ડેટા નથી અને 2022 પહેલાં સ્થાપિત અગાઉની વોર્ડ રચનાને ફરીથી લાગુ કરવી જોઈએ.
‘કેટલાક અરજદારોએ ઓબીસી અનામત સામે એવી દલીલ કરી હતી કે ઓબીસી અનામત માટે ઈમ્પેરિકલ ડેટા ઉપલબ્ધ નથી. પરિણામે, સ્થાનિક સંસ્થાઓમાંથી અનામતને દૂર કરવાની માગણી કરવામાં આવી હતી,’ એમ ભુજબળે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર 91 સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત વિના ચૂંટણીઓ યોજાઈ હતી.

તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને જરૂરી ઈમ્પેરિકલ ડેટા પ્રદાન કરવા સૂચના આપી હતી. જો કે, નિરગુડકર કમિશન દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને નકારી કાઢવામાં આવ્યો હતો. ‘આને પગલે અમે (મહારાષ્ટ્ર સરકારે) વધુ સચોટ ડેટા એકત્રિત કરવા માટે બાંઠિયા કમિશનની સ્થાપના કરી. બાંઠિયા કમિશન દ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં, એકત્રિત કરવામાં આવેલ ડેટા ખામીયુક્ત જણાયો હતો, જેના કારણે ઘણા પ્રદેશોમાં ઓબીસી પ્રતિનિધિત્વમાં ઘટાડો જોવા મળ્યો હતો,’ એમ તેમણે કહ્યું હતું.
ચોક્કસ ઉદાહરણો ટાંકીને, ભુજબળે સમજાવ્યું કે ‘ગાયકવાડ’ જેવી કેટલીક અટકોને અનેક સમુદાયોમાં ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવી હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અનામત ગુમાવવી પડી હતી. ભુજબળે કહ્યું કે મે 2025માં સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો હતો કે ચૂંટણીઓ 27 ટકા ઓબીસી અનામત સાથે થશે.
‘આજના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીઓ નવા સૂચિત વોર્ડ/મતવિભાગની સીમાઓના આધારે આગળ વધશે, જે ઓબીસી અનામત ચાલુ રાખવાની ખાતરી કરશે. સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતને પડકારતી બીજી એક અરજી પણ ફગાવી દીધી અને પુષ્ટિ કરી હતી કે ચૂંટણીઓ મે 2025ના આદેશ મુજબ આગળ વધશે, ઓબીસી માટે 27 ટકા અનામત અકબંધ રહેશે,’ એમ રાજ્યના મોટા ઓબીસી નેતાએ સમજાવ્યું હતું.
તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતે એ પણ પુષ્ટિ આપી છે કે વોર્ડ અને મતવિસ્તારનું પુનર્ગઠન રાજ્ય સરકારનો વિશેષાધિકાર છે, જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી અનામતનો માર્ગ મોકળો કરે છે.
આ પણ વાંચો…ભુજબળ ઓબીસીનો અવાજ છે: ફડણવીસ