બોલો, મહારાષ્ટ્રના આ પ્રધાને તો આચારસંહિતા લાગુ પડવાની કરી વાત…
મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખને રાહ જોવામાં આવી રહી છે, જ્યારે રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાધારી સાથે વિપક્ષી પાર્ટીએ તૈયારી કરી છે, પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ પૂર્વે મહારાષ્ટ્રના પ્રધાને આચારસંહિતા આગામી મહિનાની પાંચમી તારીખે લાગુ પડવાની અટકળ કરીને સૌને ચોંકાવ્યા હતા.
લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે ત્યારે રાજ્યમાં આચારસંહિતા ક્યારથી લાગુ થશે એની ચર્ચા પણ ચાલુ છે. તેનો જવાબ આપતા મહારાષ્ટ્ર રાજ્યના વસ્ત્ર ઉદ્યોગ ખાતાના પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે પાંચમી માર્ચની આસપાસ આચારસંહિતા લાગુ કરવાની અટકળ વ્યક્ત કરી હતી.
માલેગાંવના પ્રવાસે ગયેલા ચંદ્રકાંત પાટીલને બેઠક યોજી હતી તેમાં તેમણે આચારસંહિતા ક્યારથી લાગુ કરાશે એ વિશે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જો હું ચોક્કસ તારીખ કહીશ તો એવું પૂછાશે કે પહેલાથી જ તારીખ તમને કેવી રીતે ખબર પડી ગઇ?એટલે પાંચમી માર્ચની આસપાસ આચારસંહિતા લાગુ કરવામાં આવી શકે.
થોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી 100 દિવસમાં થશે એવું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પછી જાહેરાત થઈ શકે છે.