આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોલો, ગામવાસીઓએ આખેઆખું ગામ વેચવા કાઢ્યું છે… સ્ટોરી સાંભળશો તો ચકરાઈ જશો

આજે અમે અહીં તમારા માટે સાંભળવામાં એકદમ ફિલ્મી લાગે એવી સ્ટોરી લઈને આવ્યા છીએ અને કદાચ તમને પહેલી વખત તો આ સ્ટોરી વાંચીને વિશ્વાસ પણ નહીં બેસે કે આવું હકીકતમાં બન્યું છે. પરંતુ આ સ્ટોરી છે એકદમ રિયાલિસ્ટિક અને એ પણ આપણા મહારાષ્ટ્રની જ છે. કોઈ તમને કહે કે આખેને આખું ગામ જ કોઈ વેચવા કાઢે તો એ વાત તમારા માનવામાં આવે ખરું? નહીં ને? ચાલો તમને આ અજબ ગાંવ કી ગજબ કહાની વિશે જણાવીએ.

વાત જાણે એમ છે કે બીડ જિલ્લાના એક ગામના ગામવાસીઓએ પોતાનું જ ગામ વેચવા કાઢ્યું છે અને ગામનું નામ છે ખડકવાડી. આ ગામની વસ્તી 1800 જેટલી છે અને આ ગામનો વિકાસ માત્ર કાગળ પર જ થયો છે અને હકીકતમાં ગામમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. ગામના વિકાસ માટે આવેલા ભંડોળમાંથી ગામના પ્રમુખ અને અન્ય અધિકારીઓએ પોતાના ખિસ્સા ભર્યા હોવાનો આક્ષેપ પણ ગામવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ગામવાસીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઉદ્દેશીને ગામ વેચવાના બેનર પણ લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં એવું લખવામાં આવ્યું છે કે તમે અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ લઈને આવ્યા છો. રાજ્યને પણ તમે વિકાસની તરફ લઈ જઈ રહ્યા છો, પરંતુ અમારું ખડકવાડી ગામ વિકાસથી એકદમ દૂર છે. સરકારે શરૂ કરેલી તમામ યોજના અને પ્રોજેક્ટ ગામમાં માત્ર કાગળ પર જ હાથ ધરવામાં આવ્યા છે. ગામના વિકાસ માટે આપવામાં આવેલા ભંડોળમાંથી કોઈ પણ કામ થયા નથી. આ કારણસર અમને ગામ વેચી નાખવું છે અને એ માટે તમે અમને પરવાનગી આપો.

ગામવાસીઓ દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે કરવામાં આવેલી આ પરવાનગી બાબતે સરકાર અને સીએમ શિંદે શું પગલું લે છે એ તરફ બધાનું ધ્યાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button