બોલો, પુત્રની સાથે મળીને માતાએ બીજા દીકરાને પતાવી નાખ્યો, જાણો કેમ?

મુંબઈ: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં લાતુરના ઔસ ગામમાં એક યુવાનની માતા અને મોટા ભાઈએ હત્યા કરી દીધી. આ મામલે પોલીસ જણાવ્યું હતું કે મૃતક યુવાન દારૂ પીને તેની માતા સાથે ઝઘડો કર્યો હતો. પોલીસ દ્વારા આરોપી ભાઈ અને માતાની ધરપકડ કરી વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસે કહ્યું હતું કે 28 જાન્યુઆરીએ સચિન બાલાજી જાધવ નામની એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં તેના 23 વર્ષના નાના ભાઈ યોગેશ જાધવે ફાંસી લગાવીને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આ બાબતે ફરિયાદ નોંધી ઘટનાસ્થળે પહોંચી હતી. આ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યોગેશ દારૂ પીને તેની માતા અને મોટા ભાઈ સાથે ઝઘડો કરતો હતો.
27 જાન્યુઆરીની રાતે પણ યોગેશે તેની મા અને ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ ગુસ્સે ભરાયેલા આરોપી સચિને દોરડા વડે તેના નાના ભાઈનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ નાના ભાઈના મૃતદેહને લઈને ખેતરના એક શેડમાં જઈને લટકાવી તેણે આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા આ મામલે વધુ વિગતવાર તપાસ કરતાં હત્યા થઈ હોવાની ઘટનાનો ખુલાસો થયો હતો. હત્યાની જાણ થતાં પોલીસ દ્વારા 26 વર્ષના સચિન બાલાજી જાધવ અને તેની માતા સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.