બોલો, અશોક ચવ્હાણે ભાજપમાં પ્રવેશતા કરી મોટી ભૂલ, પછી
મુંબઈઃ ચાર દાયકાથી કૉંગ્રેસમાં કાર્યરત અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આજે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં પ્રવેશ વખતે ભૂલમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલ્લારને મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ કહી દીધા હતા. આ ભૂલને પગલે દેવેન્દ્ર ફડણવીસ સહિત બધા જ નેતાઓ અને પત્રકારોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
જોકે, પછીથી તેમણે બધાની માફી માંગી કહ્યું હતું કે હું આદતથી ટેવાયેલો છું. આજે ભાજપમાં મારો પહેલો દિવસ છે. તો મને માફ કરજો. અશોક ચવ્હાણ 38 વર્ષથી રાજકારણમાં છે અને કૉંગ્રેસ સાથે સંબંધ ધરાવતા હતા. એટલે તેમના મોંમાંથી કૉંગ્રેસ અને કૉંગ્રેસના પદાધિકારીઓનું નામ નીકળે તે સ્વાભાવિક છે.
ભાજપમાં પ્રવેશ કરતી વખતે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પણ ભરપેટ વખાણ કર્યા હતા અને તેમની પ્રેરણાથી દેશના વિકસમાં યોગદાન આપવા માટે ભાજપમાં આવવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ દરમિયાન હાજર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ચવ્હાણનું સ્વાગત કર્યું હતું અને તેમના અનુભવનો ભાજપને ખૂબ ફાયદો થશે તેમ જ આગામી ચૂંટણીઓમાં ભાજપને બળ મળશે, એમ તેમણે જણાવ્યું હતું. અશોક ચવ્હાણની સાથે સાથે નાંદેડના ભૂતપૂર્વ વિધાનસભ્ય અમરનાથ રાજુલકર પણ ભાજપમાં જોડાયા હતા. તેમને અશોક ચવ્હાણના ખૂબ નજીકના માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને રામરામ કરીને પાર્ટીને ચોંકાવી નાખી છે, જ્યારે તેમની સાથે હજી વધુ નેતાઓ પાર્ટીમાંથી એક્ઝિટ કરી શકે છે એવી પણ અટકળોએ જોર પકડ્યું છે.