બોલો, એફડીએના 80 ટકા કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોતરવામાં આવ્યા

મુંબઈ: રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) હંમેશા પ્રયત્નશીલ રહે છે. જોકે, જાહેર થયેલી લોકસભા ચૂંટણીના કામ માટે એફડીએના લગભગ ૮૦ ટકા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આથી આગામી કેટલાક દિવસો સુધી ખાદ્યપદાર્થો અને દવાઓની ગુણવત્તા ચકાસવાનું કામ બંધ કરવામાં આવશે.
વિદેશથી રાજ્યમાં આવતી દવાઓની ચકાસણી, દવાની દુકાનોમાં વિવિધ કંપનીઓની દવાના સેમ્પલ ચેક કરવા, રાજ્યમાં દવાઓની ઉપલબ્ધતા પર નિયંત્રણ રાખવા જેવી કામગીરી ડ્રગ ઇન્સ્પેક્ટરો કરે છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠકની મડાગાંઠ ઉકેલવા મહાવિકાસ આઘાડીનો નવો ફોર્મ્યુલા
આ ઉપરાંત, ફૂડ ઇન્સપેક્ટરો દ્વારા વિદેશમાંથી ગુપ્ત રીતે વેચાણ માટે આવતી ખાધ્ય બનાવટો પર ઝીણવટભરી નજર રાખવા અને તેના પર કાર્યવાહી કરવા, ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.
રાજ્યમાં એફડીએના દવા વિભાગમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ કર્મચારીઓ અને અધિકારીઓ છે, જ્યારે ફૂડ વિભાગમાં લગભગ ૧૨૫ થી ૧૫૦ અધિકારીઓ અને કર્મચારીઓ છે, તેમાંથી લગભગ ૮૦ ટકા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.