સાવરકર પર ટિપ્પણી: સેના (યુબીટી)ના નેતાએ રાહુલ ગાંધીનો ચહેરો કાળો કરવાની ધમકી આપી

નાશિક: શિવસેના (યુબીટી)ના એક સ્થાનિક પદાધિકારીએ બુધવારે કહ્યું હતું કે તેઓ સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર વિશેની ‘અપમાનજનક’ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીનો ચહેરો કાળો કરશે, જેના પર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના નાસિકમાં પાર્ટીના ડેપ્યુટી સિટી યુનિટ ચીફ બાળા દરાડેની ટિપ્પણી વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (એમવીએ)માં સંબંધો તંગ કરી શકે છે.
અમને ગર્વ છે કે અમે સ્વાતંત્ર્યવીર સાવરકરના જન્મસ્થળમાં રહીએ છીએ. રાહુલ ગાંધીએ સાવરકર વિશે જે નિવેદન આપ્યું હતું, તે અપમાનજનક હતું. અમે તેની સખત નિંદા કરીએ છીએ. જો રાહુલ ગાંધી નાશિક આવશે તો અમે તેમનો ચહેરો કાળો કરીશું. જો આપણે એવું ન કરી શકીએ, તો અમે તેમના કાફલા પર પથ્થરમારો કરીશું, એમ દરાડેએ હિન્દુત્વવાદી વિચારધારાના પ્રણેતાની જન્મજયંતિ નિમિત્તે એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર વીર સાવરકરની બેરિસ્ટર ડિગ્રી પુન:સ્થાપિત કરશે
શિવસેના (યુબીટી) એમવીએમાં કોંગ્રેસનો સાથી છે અને બંને પક્ષો ઈન્ડી ગઠબંધન વિપક્ષના જૂથનો પણ ભાગ છે.
નાશિક-નિવાસી દેવેન્દ્ર ભુતાડાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા સાવરકર વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓથી તેમની લાગણીઓ દુભાય છે.
બાળા દરાડેએ વધુમાં કહ્યું હતું કે તેમને એમવીએ માટે તેમની ધમકીના પરિણામોની પરવા નથી. ‘અમે સાવરકર વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર કોઈપણને સહન કરીશું નહીં. મહા વિકાસ આઘાડીનું ભવિષ્ય ગમે તે હોય, અમે સાવરકરનું અપમાન સહન કરીશું નહીં,’ એમ તેમણે કહ્યું હતું.
શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સુષ્મા અંધારેએ પત્રકારોને જણાવ્યું હતું કે દરાડેના વિચારો તેમના પોતાના છે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીનું સત્તાવાર વલણ નથી.
બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે દરાડેની ધમકીને ‘કાયર’ ગણાવી હતી. ‘રાહુલ ગાંધીના પિતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી અને દાદી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ ભારતની એકતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. કોંગ્રેસ અને તેનું નેતૃત્વ આવી ધમકીઓથી ડરતું નથી,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમિત શાહે સાવરકર દ્વારા લિખિત ગીતને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ પુરસ્કાર અર્પણ કર્યો
રાહુલ ગાંધીએ સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી ન હતી, એવી સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ‘તેમની ટિપ્પણીઓમાં ઐતિહાસિક સંદર્ભો છે. વાજપેયી સરકારના પ્રધાન (પત્રકાર અને લેખક) અરુણ શૌરીએ પણ સાવરકર પર એક પુસ્તક લખ્યું છે અને તે પુસ્તકમાં મોટાભાગના સંદર્ભો રાહુલ ગાંધીએ કહેલા છે. અમારા કાર્યકરો આવા ધમકીઓનો સામનો કરવા સક્ષમ છે,’ એમ સપકાળે કહ્યું હતું.
કોંગ્રેસના અન્ય નેતા અને ભૂતપૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન યશોમતી ઠાકુરે કહ્યું હતું કે, તેમનો પક્ષ અહિંસામાં માને છે, પરંતુ ધમકીઓનો જવાબ આપવા સક્ષમ છે. રાહુલ ગાંધીએ ફક્ત ઇતિહાસમાં જે લખ્યું છે તેનું પુનરોચ્ચારણ કર્યું હતું.