અટકના કારણે સરફરાઝ ખાનની અવગણના થઇ રહી છે? કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠવ્યો, વિવાદ ભડક્યો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અટકના કારણે સરફરાઝ ખાનની અવગણના થઇ રહી છે? કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠવ્યો, વિવાદ ભડક્યો

મુંબઈ: ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છતાં મુંબઈના 27 વર્ષીય ક્રિકેટર સરફરાઝ ખાનને ભારતીય ક્રિકેટ ટીમ સ્થાન નથી આપવામાં આવી રહ્યું, તાજેતરમાં દક્ષિણ આફ્રિકા A સામેની ટેસ્ટ સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ઇન્ડિયા A ટીમમાં પણ સરફરાઝને સ્થાન ન મળતા સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે કે સરફરાઝની અવગણના કરવામાં આવી રહી છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે સરફરાઝને ટીમની બહાર રાખવા અંગે એક પોસ્ટ (Shamma Mohamed about Sarfarz Khan) કરી છે, જેને કારણે વિવાદ ઉભો થયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને શમા મોહમ્મદે સરફરાઝ ખાનની ટીમમાં પસંદગી ન થવા અંગે સવાલ ઉઠાવ્યા. તેમણે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના ભાજપ સાથે રાજકીય જોડાણનો પણ આડકતરી રીતે ઉલ્લેખ કર્યો.

X પર શમા મોહમ્મદે લખ્યું, “શું સરફરાઝ ખાનને તેની અટકના કારણે પસંદ કરવામાં નથી આવી રહ્યો! ખાલી એમ જ પૂછી રહી છું . આપણે જાણીએ છીએ કે ગૌતમ ગંભીરનું આ બાબતનો પક્ષ શું છે.”

આપણ વાંચો:બાંગડની પુત્રમાંથી બનેલી પુત્રી અનાયા પહોંચી ગઈ સરફરાઝ ખાનના ઘરે, ખૂબ ધમાલ-મસ્તી કરી…

AIMIMના નેતાઓ પણ ઉઠાવી ચુક્યા છે સવાલ:

નોંધનીય છે કે ગત મહીને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને તેમના પક્ષના પ્રવક્તા વારિસ પઠાણે સરફરાઝની રાષ્ટ્રીય ટીમમાં અવગણના અંગે સવાલો ઉઠાવ્યા હતાં. હવે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ પણ આવા જ સવાલ ઉઠાવતા વિવાદની આગને હવા મળી છે.

સરફરાઝનું પરફોર્મન્સ:

નોંધનીય છે કે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સરફરાઝની એવરેજ 65.19 છે. ગત વર્ષે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, તેણે છ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 37.1 ની સરેરાશથી 371 રન બનાવ્યા છે, ન્યુઝીલેન્ડ સામે તેણે 150 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ વર્ષે ઇંગ્લેન્ડ A સામેની પ્રથમ અનઓફિશિયલ મેચમાં તેણે ઇન્ડિયા A ટીમ તરફથી 92 રન બનાવ્યા હતાં, પરંતુ ઈજાને કારણે તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. ત્યાર બાદ સરફરાઝે 17 કિલો વજન ઘટાડ્યું છે અને તેની ફિટનેસમાં સુધારો થયો છે. પરંતુ તેની પસંદગી કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર ચર્ચા:

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો શમ્મા મોહમ્મદની પોસ્ટ સાથે સહમતી દર્શાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે, યુઝર્સ કહી રહ્યા છે કે શમ્મા ક્રિકેટના મુદ્દાને સાંપ્રદાયિક વળાંક આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપે કર્યા પ્રહાર:

કેટલાક રાજકીય નેતાઓ અને ક્રિકેટ સાથે જોડાયેલા લોકો પણ શમ્મા મોહમ્મદની ટિપ્પણીની ટીકા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ શમ્મા મોહમ્મદ અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.
શહેઝાદ પૂનાવાલાએ X પરની પોસ્ટમાં લખ્યું “આ મહિલા અને તેની પાર્ટી બીમાર છે.

રોહિત શર્માને જાડો કહ્યા પછી, તે (શમ્મા) અને તેની પાર્ટી હવે આપણી ક્રિકેટ ટીમને પણ સાંપ્રદાયિક આધારે વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે? દેશના ભાગલા કરીને મન નથી ભરાયું કે શું? એ જ ટીમમાં મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ રમે છે! ભારતને સાંપ્રદાયિક અને જાતિના આધારે વિભાજીત કરવાનું બંધ કરો.”

સરફરાઝની પસંદગી ન થાવનું કારણ શું છે?

હકીકતે સરફરાઝને થયેલી ઈજાને કારણે અને ટીમમાં બેલેન્સ જાળવવા માટે તેને સ્થાન નથી આપવામાં આવી રહ્યું, તેના ધર્મ સાથે આ મુદ્દાને કોઈ લેવા દેવા નથી. BCCIના ચીફ સિલેક્ટર્સ પસંદગીકાર અગરકરે અગાઉ જણાવ્યું હતું કે સરફરાઝને ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. તેને ફરીથી ફિટનેસ પાછી મેળવવી પડશે, ત્યાર બાદ જ તેના નામ પર વિચારણા કરવામાં આવશે.

સિલેક્ટર્સ હાલમાં બેટિંગ કોમ્બિનેશનને આધારે ટીમની પસંદગી કરે છે, જેમાં રજત પાટીદાર, બી સાઈ સુધરસન અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને મિડલ ઓર્ડરમાં અજમાવવામાં આવી રહ્યા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button