આમચી મુંબઈ

ચાર મિત્રની જૉયરાઈડ બે ગુજરાતી દોસ્તો માટે બની ડેથરાઈડ

સાંતાક્રુઝમાં કારે ડિવાઈડર કુદાવીને સ્કૂટર પર સવાર બે ગુજરાતીને ઉડાવ્યા: બોરીવલીના બિલ્ડરના પુત્રની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ દોડતી કારે ડિવાઈડર કુદાવીને સામેની દિશામાં ફંગોળાયા બાદ એક સ્કૂટરને કચડી નાખતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્કૂટર સવાર વિલેપાર્લેના બે ગુજરાતી યુવાને જીવ ગુમાવ્યા હતા, જ્યારે પોલીસે બેફામ કાર દોડાવી અકસ્માત કરનારા બોરીવલીના બિલ્ડરના પુત્રની ધરપકડ કરી હતી.

ખેરવાડી પોલીસના જણાવ્યા મુજબ વાકોલા બ્રિજ નજીક ગુરુવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં માનવ વિનોદ પટેલ (21) અને હર્ષ આશિષ મકવાણા (22)નાં મોત નીપજ્યાં હતાં. વિલેપાર્લે પશ્ર્ચિમમાં પાર્લા ગાંવઠણ પરિસરમાં રહેતા બન્ને જણ નાનપણના મિત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માત પ્રકરણે પોલીસે આરોપી સિદ્ધેશ બેળકર (23)ની ધરપકડ કરી હતી. શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર કરાયેલા આરોપીને અદાલતે સોમવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. બોરીવલીના બિલ્ડરના પુત્ર બેળકર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: દીવના દરિયામાં શિપ-બોટ વચ્ચે અકસ્માતઃ ત્રણ ખલાસીઓનો બચાવ, ચારની શોધખોળ ચાલુ

સિદ્ધેશ ત્રણ મિત્ર સાથે જૉયરાઈડ માટે કારમાં બોરીવલીથી બાન્દ્રા તરફ જઈ રહ્યો હતો. પૂરપાટ વેગે દોડતી કાર વાકોલા બ્રિજ પરથી નીચે ઊતરી ત્યારે સિદ્ધેશે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર સાથે ટકરાયા પછી સામેની દિશામાં જતી રહી હતી. તે જ સમયે બાન્દ્રાથી વિલેપાર્લે તરફ જઈ રહેલા સ્કૂટરને કારે અડફેટે લીધું હતું.

અકસ્માતમાં કાર અને સ્કૂટર બન્નેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્કૂટર માનવ પટેલ ચલાવી રહ્યો હતો, જ્યારે હર્ષ સ્કૂટર પર પાછળ બેઠો હતો. બન્ને જણ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

દરમિયાન અકસ્માતને પગલે સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા. બન્નેને વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે હર્ષને મૃત જાહેર કર્યો હતો. માનવે હેલ્મેટ પહેરી હોવાથી તે ગંભીર રીતે ઘવાયો હતો. જોકે વધુ સારવાર માટે તેને કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તેણે પણ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: અકસ્માતની બે ઘટનામાં 9 લોકોના મૃત્યુ, એક જ પરિવારના છ લોકોએ ગુમાવ્યો જીવ

પાર્લા ગાંવઠણની અંજલિના કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હર્ષ મકવાણાના અંધેરીમાં રહેતા ફુઆ જતીનભાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે હર્ષ વિલેપાર્લેના જ એક મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો, જ્યારે સેન્ટ એન્થની રોડ પરની મિસ્કિટા ચાલમાં રહેતો માનવ ફૂડ ડિલિવરીના કામ સાથે સંકળાયેલો હતો. બન્ને નાનપણના મિત્રતા હતા. રાતે મોડું થયા છતાં હર્ષ ઘરે પાછો ફર્યો નહોતો. તેના પિતા આશિષે વારંવાર હર્ષના મોબાઈલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. તેમણે માનવના મોબાઈલ પર કૉલ કર્યો ત્યારે પોલીસે કૉલ રિસીવ કર્યો હતો. પોલીસે આપેલી જાણકારી પછી તેમને અકસ્માતની જાણ થઈ હતી.

ખેરવાડી પોલીસે આરોપી સિદ્ધેશના લોહીના નમૂના તપાસ માટે મોકલાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તે દારૂના નશામાં ન હોવાનું પોલીસનું કહેવું છે. જોકે જતીનભાઈના કહેવા મુજબ આરોપીના લોહીના નમૂના છેક સવારે લેવામાં આવ્યા હતા. અમને શંકા છે કે આરોપી નશામાં જ વાહન ચલાવતો હતો. ઘટનાસ્થળે હાજર લોકોનું પણ આવું જ કહેવું છે.

ઍર બૅગ સમયસર ખૂલી એટલે આરોપી બચી ગયો

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થયેલા ભયંકર અકસ્માતમાં સ્કૂટરસવાર બે ગુજરાતી યુવાને જીવ ગુમાવ્યા છતાં કારમાં હાજર ચારેયને કોઈ ઇજા થઈ નહોતી. ખેરવાડી પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સમયે કારની ચારેય ઍર બૅગ સમયસર ખૂલી જવાને કારણે આરોપી સિદ્ધેશ અને તેના ત્રણેય મિત્ર બચી ગયા હતા. ડિવાઈડર સાથે ટકરાઈને કારે સ્કૂટરને અડફેટે લીધું હતું. આટલા ભયંકર અકસ્માતમાં પણ ઍર બૅગે ચારેય યુવાનને બચાવી લીધા હતા.

કાર રેસિંગ ચાલતી હતી?

હાઈવે પર બાઈક અને કારની રેસિંગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ગુરુવારની રાતે પણ કાર રેસિંગને કારણે અકસ્માત થયો હોવાનો દાવો ઘટનાસ્થળે હાજર રહેવાસીઓનો છે. રહેવાસીઓના કહેવા મુજબ આરોપી એક કારની સાથે રેસિંગ કરતો હોવાનું જણાયું હતું. આરોપીની કાર આડેધડ ચલાવતો હતો, જેને કારણે સ્ટિયરિંગ પરથી તેણે કાબૂ ગુમાવ્યો હતો. જોકે રેસિંગ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button