દુઃખદઃ નથી રહ્યું સાંતાક્રુઝનું આ 300 વર્ષ જૂનું વૃક્ષઃ રહેવાસીઓમાં રોષ અને શોક
મુંબઈઃ મુંબઈના સાંતાક્રુઝમાં રહેવાસીઓ એમએમઆરડીએ અને સરકારથી ખૂબ જ નારાજ છે. એક તો મુંબઈમાં નવા નવા વિકાસ કામોના નામે રોજ વૃક્ષો કાપવામાં આવે છે, ત્યારે એક ખૂબ જ ઐતિહાસિક કહી શકાય તેવા વૃક્ષને કાપી નાખવામાં આવતા વર્ષોથી અહીં રહેતા રહેવાસીઓના જાણે હૃદય પર આરી ફેરવી દીધી હોય તેવી ભાવના ઉમટી આવી છે.
મુંબઈની મેટ્રો-2બીના સાંતાક્રુઝ સ્ટેશન માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા સાંતાક્રુઝના સૌથી જૂના નાગરિક તરીકે જાણીતા રૂથડ એટલે કે બાઓબાબ વૃક્ષને કાપી નાખવામાં આવ્યું છે. આ વિસ્તારી આ ઓળખ હતી અને લોકોના જીવનનો એક ભાગ આ વૃક્ષ 300 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.
બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસયટીના સભ્યોના કહેવા અનુસાર આ વૃક્ષને 1979માં પણ કાપવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ દેબી ગોયન્કા સહિત અહીંના રહેવાસીઓએ વિરોધ કરી, રેલી કાઢી તેને બચાવ્યું હતું.
એક વૃક્ષપ્રેમી રહેવાસીના જણાવ્યા અનુસાર વૃક્ષને એક ઝાટકામાં કાપી નાખવામાં આવ્યું અને તેની જગ્યાએ સિમેન્ટ ભરી દેવામા આવી જાણે આનું કોઈ અસ્તિત્વ જ ન હતું.
આ 40 વર્ષ જૂનાં બાઓબાબ વૃક્ષે આ વિસ્તારને પોર્ટુગીઝ યુગમાંથી બ્રિટિશ યુગમાં જતો જોયો છે અને ત્યારબાદ આઝાદીમાં હવા લેતો જોયો છે. આ વૃક્ષ કપાતા રહેવાસીઓ ખૂબ દુઃખી છે અને પોતાના પરિવારનો સભ્ય ગુમાવ્યો હોય તેમ લાગી રહ્યું છે, તેમ પણ એક રહેવાસીઓ જણાવ્યું હતું.
મેટ્રોની વિવિધ લાઈન માટે શહેરમાં સેંકડો વૃક્ષોની બલિ ચડાવાઈ છે. એક બહુ મોટો વર્ગ આ માટે લડત આપી રહ્યો છે. એક સમયે પોતાના ઠંડા અને સંતુલિત વાતાવરણ માટે જાણીતું મુંબઈ આજે 40 ડિગ્રીએ ભડકે બળે છે ત્યારે વૃક્ષોની જાળવણી જ તેનો ઉકેલ છે ત્યારે નાગરિકોએ પોતાનો અવાજ ઘેરો બનાવવાની જરૂર છે.