શિંદે જૂથના નેતાએ કર્યો મોટો દાવો, એકનાથ શિંદે કેન્દ્રમાં નહીં જાય પણ…

છત્રપતિ સંભાજી નગર: શિવસેના (એકનાથ શિંદે) જૂથના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે જો એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારશે નહીં તો અમારી પાર્ટીના કોઈ અન્ય નેતાને આ પદ મળશે અને એના અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. આમ છતાં તેઓ કેન્દ્રમાં જશે નહીં.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનું સસ્પેન્સ યથાવત શાહના ઘરે 3 કલાકની મેરેથોન બેઠકમાં, કોઈ નિર્ણય ન લઈ શકાયો…
શિવસેનાના નેતા સંજય શિરસાટએ આજે કહ્યું હતું કે જો વિદાય લઈ રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાનપદનો સ્વીકાર નહીં કરે તો આ પદ શિવસેનાના જ કોઈને આપવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં શિરસાટે કહ્યું હતું કે શિંદે કેન્દ્રીય પ્રધાનની જવાબદારી તો નહીં જ સ્વીકારે એ નક્કી છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને 288માંથી 230 બેઠક જીતી છે. એકનાથ શિંદે રખેવાળ મુખ્ય પ્રધાન છે અને પોતે ભાજપના નેતૃત્વના આગામી મુખ્ય પ્રધાનના નિર્ણયને “સંપૂર્ણ ટેકો” આપી પ્રક્રિયામાં અવરોધ નહીં બને એવી સ્પષ્ટતા તેમણે કરી છે. આને પગલે શિંદેને ડેપ્યુટી સીએમ પદ ઓફર કરવામાં આવે તેવી સંભાવના અને તેઓ તેને સ્વીકારશે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી.
પક્ષના શિરસાટના સાથી અને માજી પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે તેમના ચૂંટાયેલા વિધાનસભ્યો અને પક્ષના કાર્યકરો દ્રઢપણે માને છે કે શિંદેએ નવી સરકારનો હિસ્સો બનવું જોઈએ.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની કેબિનેટમાં કોને કેટલાં પ્રધાનપદ મળશે?
દેસાઈ 2022થી 2024 સુધી શિંદેના ગઢ ગણાતા થાણેના વાલી પ્રધાન હતા. શિંદેના વિશાળ વહીવટી અનુભવને જોતા દેસાઈએ કહ્યું હતું કે, તેમણે મહારાષ્ટ્રની આગામી સરકારનો હિસ્સો બનવું જોઈએ.
(પીટીઆઈ)