મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એકલે હાથે ચૂંટણી લડશે? સંજય રાઉતના નિવેદન બાદ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું…
મુંબઈ: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. સંજય રાઉતના નિવેદનથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. રાઉતે કહ્યું હતું કે જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો તેણે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન્ડે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડવાનો કોઈ પ્રસ્તાવ નથી. અમે એમવીએનો ભાગ છીએ. શરૂઆતમાં અમે એનસીપી સાથે ગઠબંધનમાં હતા અને શરદ પવાર શિવસેનાને સાથે લઈ આવ્યા હતા.
તે જ સમયે શું ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા માટે આ પ્રેશર ટેક્ટિક્સ હોઈ શકે? એવા સવાલો થઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આના જવાબમાં કૉંગ્રેસે કહ્યું હતું કે ભલે તે પ્રેશર ટેક્ટિક્સ હોય, અમે ચૂંટણી પહેલા કોઈ મુખ્ય પ્રધાનના ઉમેદવારની જાહેરાત નહીં કરીએ, શરદ પવાર પણ માને છે કે પરિણામ પછી જ સીએમની પસંદગી થવી જોઈએ અને કોંગ્રેસે પણ નક્કી કર્યું છે એ જ નિયમ કે મુખ્ય પ્રધાનની જાહેરાત ચૂંટણી પછી જ કરવી જોઈએ.
સંજય રાઉતે શું કહ્યું?
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે હરિયાણામાં વિધાનસભાના પરિણામો બાદ કહ્યું હતું કે જો કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા માગે છે તો તેણે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. કૉંગ્રેસના અહંકારે તેમને હરિયાણાની ચૂંટણીમાં હરાવ્યા હતા. મુખ્યપ્રધાન પદ માટેના ચહેરાની જાહેરાત હવે મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષોએ સંયુક્ત રીતે કરવી જોઈએ.
મહારાષ્ટ્ર કોંગ્રેસે જવાબ આપ્યો
આના જવાબમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, ‘કોનો અહંકાર મોટો છે તે આવનારી ચૂંટણીમાં જોવા મળશે. ત્યારે તમને ખબર પડશે કે કોનો અહંકાર ખતમ થયો છે.’ તેમણે એમ પણ કહ્યું કે અમે સંજય રાઉતને પૂછીશું કે શું તેમણે આ બધાં નિવેદનો જાણી જોઈને આપ્યાં છે? જાહેરમાં આવી વાત કરવી કે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી.