ભવિષ્યમાં પણ ત્રણ ભાષાની નીતિ સ્વીકારશે નહીં: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા નીતિના અમલના આદેશો પાછા ખેંચવાનો નિર્ણય લીધાના થોડા દિવસો પછી શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ આવી નીતિ સ્વીકારશે નહીં.
મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા સુધી હિન્દી ભાષા દાખલ કરવાના વધતા વિરોધનો સામનો કરીને, રાજ્ય કેબિનેટે રવિવારે ત્રણ ભાષાની નીતિના અમલ અંગેના બે જીઆર (સરકારી આદેશો) પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.
અહીં પત્રકારો સાથે વાત કરતા રાઉતે એવો દાવો કર્યો હતો કે, ‘ફડણવીસ સમિતિઓ અને એસઆઈટી બનાવવાના શોખીન છે, પરંતુ કશું કરતા નથી.’
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા છે’: સંજય રાઉતે અમિત શાહના રાજીનામાની માગણી કરી
‘જાધવને અર્થશાસ્ત્રી તરીકે માન આપવામાં આવે છે, પરંતુ આ સમિતિની હવે કોઈ સુસંગતતા નથી. અમે ભવિષ્યમાં પણ ત્રણ ભાષાની નીતિ સ્વીકારીશું નહીં,’ એમ રાજ્યસભાના સભ્યે ભારપૂર્વક જણાવ્યું હતું.
જીઆર પાછા ખેંચ્યા પછી પાંચમી જુલાઈએ મુંબઈમાં સેના (યુબીટી) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘મરાઠી વિજય દિવસ’ ઉજવણી અંગે, રાઉતે કહ્યું કે બંને પક્ષના નેતાઓ ચર્ચા કરી રહ્યા છે.
‘અમે મુખ્ય નેતાઓ અને જનતાને આમંત્રણ આપ્યું છે. જીઆર રદ કરવાની સફળતા મરાઠી લોકોની છે.
અમે ફક્ત આયોજકો છીએ. મનસેના વડા રાજ ઠાકરે અને અમારા નેતા ઉદ્ધવ ઠાકરે સાથે પણ સલાહ લેવામાં આવી છે,’ એમ તેમણે કહ્યું હતું. ‘હવે થોડો સમય બાકી છે. અમે દરેકને વ્યક્તિગત રીતે આમંત્રણ આપી શકતા નથી,’ એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું
રાઉતે ફડણવીસના નેતૃત્વ હેઠળના સરકાર પર વધુ નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેમણે પૈસા, ધમકીઓ, ઇડી, સીબીઆઈ અને ચૂંટણી પંચનો ઉપયોગ કરીને શિવસેના અને એનસીપીને વિભાજીત કર્યા હતા.
છેલ્લા ત્રણ મહિનામાં મહારાષ્ટ્રના 1,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે, એવો દાવો રાઉતે કર્યો હતો અને પૂછ્યું હતું કે શું વડા પ્રધાન આ વિશે જાણે છે.
દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આગામી બેઠક અને તે ભારતીય જનતા પાર્ટી માટે શું કરશે તે વિશે પૂછવામાં આવતા, રાઉતે એવો દાવો કર્યો હતો કે, ‘આરએસએસ અને ભાજપ ભાઈઓ જેવા છે. જો આરએસએસ ઇચ્છે તો, તે ભાજપને પાઠ ભણાવી શકે છે. ભાજપની આજની તાકાત આરએસએસ કાર્યકરોના પ્રયાસોને કારણે છે.’