બોલો, નવાબ મલિક અને અજિત પવાર વચ્ચે ગઠબંધન પાક્કું, આ નેતાએ કર્યો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો ભલે જાહેર ન થઇ હોય, પરંતુ પક્ષ પલટા અને પક્ષ પલટાની ઉડતી વાતોનો દોર જરૂર શરૂ થઇ ગયો છે. તેવમાં કોઇ બે જુદા જુદા પક્ષના નેતા એકમેકની મુલાકાત લે તો પક્ષપલટાની વાતો જોરશોરથી શરૂ થાય છે.
ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ એક સાથે એક મંચ પર દેખાયા ત્યાર પછી નવાબ મલિક અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માં જોડાવવાના હોવાની ચર્ચા થઇ રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતે તો મલિક અજિત પવારના પક્ષમાં જોડાઇ ગયા હોવાનો દાવો સુધ્ધા કર્યો છે.
સંજય રાઉતે સોશિયલ મીડિયા સાઇટ એક્સ (પહેલા ટ્વિટર) પર પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે નવાબ મલિક અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થઇ રહ્યા છે. પોસ્ટની સાથે જ રાઉતે એક પત્રની ફોટોકોપી પણ મૂકી હતી જે દેવેન્દ્ર ફડણવીસે 2023માં અજિત પવારને લખી હતી.
દેવેન્દ્ર ફડણવીસની દેશભક્તિનું શું થશે: રાઉત
દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને લખેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે અમારી નવાબ મલિક સાથે કોઇ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ જે રીતના આરોપ તેમના પર લાગી રહ્યા છે તેને જોતા તેમને મહાયુતિમાં સામેલ કરવું યોગ્ય નહીં ગણાય.
આ પત્ર મૂકતા સંજય રાઉતે સવાલ કર્યો હતો કે હવે નવાબ મલિક સત્તાવાર રીતે એનસીપીમાં સામેલ થઇ રહ્યા છે તો દેવેન્દ્ર ફડણવીસની દેશભક્તિનું શું થશે? એકનાથ શિંદે પણ આ જ રાગ આલાપી રહ્યા હતા. હવે તે બંનેનું શું થશે? દેવેન્દ્ર ફડણવીસ આ પત્ર પાછો ખેંચે અથવા તો નવાબ મલિક પરના આરોપો પાછા લે.
Also Read –