‘ખરી શિવસેના’ના અમિત શાહના નિવેદનની રાઉતે કાઢી ઝાટકણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘ખરી શિવસેના’ના અમિત શાહના નિવેદનની રાઉતે કાઢી ઝાટકણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી છે, એવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર શિવસેના (યુબીટી) તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે.

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે દાવો કર્યો હતો કે શાહની ટિપ્પણીએ મરાઠી લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (માસિયા) દ્વારા અહીં આયોજિત એક કાર્યક્રમમાં શિંદેની હાજરીનો સ્વીકાર કરતી વખતે શાહે આ ટિપ્પણી કરી હતી.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા છે’: સંજય રાઉતે અમિત શાહના રાજીનામાની માગણી કરી

બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પક્ષમાં જૂન 2022માં શિંદેએ બળવો કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડ્યા પછીથી બંને જૂથો પક્ષના વારસા પર દાવો કરવા અને ‘ખરી શિવસેના’ તરીકે ઓળખાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યું હતું કે, ‘શિંદેએ બધાને બતાવ્યું છે કે વાસ્તવિક શિવસેના કોણ છે.’ દરમિયાન, શાહ પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું હતું કે શિંદેની પાર્ટીને ‘વાસ્તવિક શિવસેના’ કહેવું એ એવું કહેવા જેવું છે કે અમેરિકાની રિપબ્લિકન પાર્ટી રામદાસ આઠવલેની છે.

આપણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું

‘બધા જાણે છે કે અમિત શાહ શિંદેની પાર્ટીના માલિક છે. તેઓ કહે છે કે શિંદેનું સંગઠન જ વાસ્તવિક શિવસેના છે. આ તો એવું કહેવા જેવું છે કે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી રામદાસ આઠવલેની છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે અને આઠવલે જે મોદી સરકારમાં પ્રધાન છે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ના વડા છે,’ સેના (યુબીટી)ના સાંસદે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે દાવો કર્યો કે તમામ પ્રયાસો છતાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) મજબૂત રીતે ઉભી છે અને આ બાબત શાસક ગઠબંધનને હતાશ કરી રહ્યું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button