કેજરીવાલ જેલમાં જતા સંજય રાઉતે ફરી પીએમ મોદી પર તાક્યું નિશાન | મુંબઈ સમાચાર

કેજરીવાલ જેલમાં જતા સંજય રાઉતે ફરી પીએમ મોદી પર તાક્યું નિશાન

મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા દેશના રાજકારણમાં ગંભીર માહોલ સર્જાયો છે. ચૂંટણી પહેલા વિરોધી પક્ષના નેતાઓ સામે સરકારી તપાસ એજન્સીની કાર્યવાહી અંગે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

આ પણ વાંચો: પ્રકાશ આંબેડકરની ભૂમિકા અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

સંજય રાઉતે કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કરશે, જેમાં અમે પણ સામેલ થઈશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલથી ગભરાય છે. મોદીએ કેજરીવાલને જેલમાં પૂરતા તેઓ હવે વધુ ખતરનાક બની ગયા છે. કેજરીવાલ હવે જેલમાં રહીને જ સરકાર ચલાવશે, જેથી લોકો તેમને સમર્થન આપશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પણ નેતાઓ જેલમાં જઈને મજબૂત બન્યા હતા.

21 માર્ચે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની લીકર કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. સીએમ કેજરીવાલ જેલમાંથી જ દિલ્હીના સીએમ તરીકેનો કાર્યભાર ચલાવશે એવી જાહેરાત આપે કરી હતી. સીબીઆઇની આ કાર્યવાહી સામે ભાજપ સરકાર પર આપ અને બીજા વિરોધી પક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલની અટકાયત બાદ આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા ‘મેં ભી કેજરીવાલ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને કેજરીવાલ રાજીનામું ન આપતા તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે એવું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પીએમ મોદી માટે સંજય રાઉતે આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન

આ બાબતે દિલ્હીના નેતા આતિશી મરલેનાએ કહ્યું હતું કે અમે પહેલા જ કહ્યું હતું કે જો જરૂર જણાશે તો કેજરીવાલ જેલમાં રહીને સરકાર ચલાવશે, તેમને આવું કરવાથી કોઈપણ નિયમ કે કાયદો નહીં રોકી શકે. સીએમ કેજરીવાલ સામે કરવામાં આવેલા આરોપી હજુ સુધી સાબિત થયા નથી એટલે તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન જ છે.

Back to top button