બંધારણીય જોગવાઈઓ અનુસાર ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી, તેને સમયસર હટાવી હતી: રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975માં બંધારણની જોગવાઈઓ અનુસાર કટોકટી લાદી હતી અને બે વર્ષ પછી નવી લોકસભા ચૂંટણી માટે માર્ગ મોકળો કરવા માટે નિર્ધારિત સમયમાં પગલાં ઉઠાવ્યા હતા, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું.
કટોકટીની ઘોષણાના વિરોધમાં 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ મનાવવા બદલ શાસક ભાજપની ટીકા કરતા તેમણે નોંધ્યું કે આ ઘટના 50 વર્ષ પહેલાં બની હતી અને ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ આગળ વધવું જરૂરી હતું.
રાઉતે એવો દાવો કર્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા બાળાસાહેબ દેવરસે પણ કટોકટીને ટેકો આપ્યો હતો.
આ પણ વાંચો: ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું
‘જ્યારે આંતરિક અને બાહ્ય શક્તિઓ દ્વારા અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થાય છે ત્યારે બંધારણમાં કટોકટી લાદવાની જોગવાઈ છે. તેમણે (ભાજપ) આનો અભ્યાસ કરવો પડશે. તેમણે (ઇન્દિરા ગાંધી) કાયદેસર રીતે આ કર્યું હતું અને ખાસ સત્ર બોલાવીને સંસદની મંજૂરી માગી હતી,’ એમ રાજ્યસભાના સાંસદે કહ્યું હતુું.
રાઉતે દાવો કર્યો કે ભારત હવે અઘોષિત કટોકટીનો સામનો કરી રહ્યું છે અને દેશમાં ભ્રષ્ટાચાર અને ક્રોની મૂડીવાદના ‘મોટા સ્તરે’ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: ભારતની લોકશાહી બચી ગઈ કારણ કે લોકોએ કટોકટીનો પ્રતિકાર કર્યો હતો: ફડણવીસ
‘ઇન્દિરા ગાંધીએ ક્યારેય આવું કર્યું નહીં. તેમણે નિર્ધારિત સમયગાળામાં કટોકટી ઉઠાવી લીધી અને નવી ચૂંટણીઓનો માર્ગ મોકળો કર્યો. તેઓ અને તેમનો પક્ષ (કોંગ્રેસ) 1977માં ચૂંટણી હારી ગયા અને જનાદેશ સ્વીકારી લીધો હતો,’ એમ રાઉતે નોંધ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારવી જોઈએ.