બહુમતી હોવા છતાં રાજ્યની સરકાર…. આ શું બોલ્યા રાઉત…
મુંબઇઃ શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત હંમેશા તેમના નિવેદનો થકી ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ તેમણે સંફોટક નિવેદન કરીને પાછો વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે જણાવ્યું છે કે શિંદેના 21 વિધાન સભ્ય દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર ગંભીરપણે વિચારી રહ્યા છે. શિંદે-ફડણવીસમાં બનતું નથી. બહુમતી હોવા છતાં રાજ્ય અને સરકાર અસ્થિર છે. મહારાષ્ટ્રની જનતા એકનાથ શિંદે અને અજિત પવારને ક્યારેય માફ નહીં કરે.
Also read : મુંબઈના નાળાસફાઈના કામ માટે ૩૯૫ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર
રાઉતે જણાવ્યું હતું કે શિંદે અપમાનિત થયા છે અને આ પીડામાંથી તેઓ બહાર આવવા તૈયાર નથી. અગાઉ અઢી વર્ષના કાર્યકાળમાં પણ શિંદે-ફડણવીસમાં મનમેળ નહોતો અને હવે તો ફડણવીસે શિંદેથી છૂટકારો મેળવી લીધો છે અને શિંદેના હાથમાં કશું જ બચ્યું નથી. અમિત શાહે શિંદેને ખાતરી આપી હતી કે તરા નેતૃત્વમાં લડીશું અને 2024 પછી પણ તમે જ મુખ્ય પ્રધાન રહેશો, પણ હવે શિંદેને લાગે છે કે અમિત શાહે પોતાનું વચન પાળ્યું નથી અને તેમને ફસાવવામાં આવ્યા છે, એવો દાવો રાઉતે કર્યો હતો.
રાઉતે એમ પણ જણાવ્યું હતું કે રોજરોજ એવી ઘટનાઓ બની રહી છે જે સાબિત કરે છે કે શિંદે-ફડણવીસમાં મનમેળ નથી. શિંદે જૂથના એક વિધાનસભ્ય મને ફ્લાઇટમાં મળ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે શિંદેને એવી શંકા છે કે તેમના અને તેમના લોકોના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની તપાસ એજન્સીઓની તેમની પર નજર છે. આમ શિંદે હાલમાં મુસીબતમાં છે
રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની બાબતોમાં પણ શિંદે ક્યાંય દેખાતા નથી. શિંદેનો મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે અને તેથી તેઓ દુઃખી થઇ ગયા છે. ફડણવીસ તેમને પૂછતા નથી. શિંદે હવે કેબિનેટ બેઠકોમાં પણ હાજરી આપતા નથી અને તબિયતના બહાને તેમના ગામ જતા રહે છે, પણ તેમનું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી. તેઓ તેમના જ વિધાન સભ્યો પર નારાજ રહ્યા કરે છે.
આજે સરકારના વડા ફડણવીસ છે. શિંદેના મોટા ભાગના વિધાનસભ્યો હવે આગળ વધવા માગે છે. તેમનું એક મોટું જૂથ સીધુ ભાજપમાં મળી જઇને ફડણવીસનું નેતૃત્વ સ્વીકારવાની તરફેણ કરી રહ્યું છે તો બીજુ જૂથ તેમના પર ઘરવાપસીનું દબાણ કરી રહ્યું છે. તપાસ એજન્સીઓના ડરથી નેતાઓ કોઇ નિર્ણય લેતા નથી. શિંદે મુંઝાયેલા છે. એવામાં તેઓ ક્યાં સુધી તેમના નેતાઓને સંભાળી શકશે એ શંકા છે, એમ રાઉતે જણાવ્યું હતું.
Also read : ગેરકાયદે જુગારની ફરિયાદ કરવા બદલ શિવસેનાના નેતા પર હુમલો: સાત સામે ગુનો
રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે શિંદે કરતા અજિત પવાર સદ્ધર સ્થિતિમાં છે. તેમણે તેમની મર્યાદાઓ સ્વીકારી લીધી છે. ફડણવીસ સાથે તેમના સંબંધો મજબૂત છે. અમિત શાહની બુકમાં પણ તેઓ ચોખ્ખા રહેવા માગે છે. તેનો તેમને ફાયદો પણ થયો છે. તેઓ નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે. તેઓ ધનંજય મુંડેને પણ બચાવી રહ્યા છે, પણ શિંદેનું એવું નથી. ઠાકરે કેબિનેટમાં હતા ત્યારે પણ તેઓ મુખ્ય પ્રધાન બનવા માગતા હતા અને ફડણવીસ કેબિનેટમાં પણ તેઓ મુખ્ય પ્રધાન બનવા માગે છે, પણ ફડણવીસે શિંદે નામના ખતરાને ઓળખી લીધો છે અને એટલે જ તેમનાથી દૂરી બનાવી લીધી છે, એવો સનસનીખેજ દાવો રાઉતે કર્યો હતો.