Bhujbal શિવસેના (યુબીટી)માં જોડાવવા અંગે સંજય રાઉતે કરી આ સ્પષ્ટતા

મુંબઈ: રાષ્ટ્રવાદી જનતા પક્ષ (NCP)ના નેતા છગન ભૂજબળ (Chaggan Bhujbal) અને શિવસેના (UBT) દરમિયાન તેમના પક્ષમાં જોડાયા સંદર્ભે કોઈ ચર્ચા નથી થઈ અને એવું થવાની કોઈ સંભાવના પણ નથી એવી સ્પષ્ટતા ઉદ્ધવ ઠાકરે જૂથના પક્ષના સંજય રાઉતે બુધવારે કરી હતી.
ઓબીસીના અગ્રણી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભૂજબળ એનસીપીમાં અસ્વસ્થતા ફેલાઈ હોવાથી પક્ષાંતર માટે શિવસેના (યુબીટી) સાથે ચર્ચા કરી રહ્યા છે તેવા વહેતા થયેલા અહેવાલને પગલે રાઉતે આ પ્રમાણે પ્રતિક્રિયા આપી હતી. રાજ્યસભાના સંસદસભ્ય રાઉતે જણાવ્યું હતું કે એક સમયે ભૂજબળ શિવસેનામાં હતા. તેમણે પક્ષ ત્યાગ કર્યા પછી ઘણો સમય વીતી ગયો છે. શિવસેનાએ પણ આ સમય દરમિયાન ઘણી મજલ મારી છે.
આ પણ વાંચો : સંસદ સભ્ય રાહુલ શેવાળે બદનામી પ્રકરણ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત પ્રત્યેકને બે હજારનો દંડ
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે ‘શિવસેના (યુબીટી) અને ભૂજબળ વચ્ચે વાટાઘાટો થઇ રહી છે એ અહેવાલમાં તસુ ભારનું સત્ય નથી. શિવસેના (યુબીટી) અને ભૂજબળ વચ્ચે કોઈ ચર્ચા નથી થઈ અને એની કોઈ સંભાવના પણ નથી.’ ભૂજબળે ત્રણ દાયકા પહેલા શિવસેના છોડી હતી અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસ છોડી શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
ગયા વર્ષે શરદ પવારે સ્થાપેલા પક્ષમાં ભંગાણ પાડી જે લોકો શાસક યુતિ સાથે જોડાયા એમાં એક ભૂજબળ પણ હતા. આઠ પ્રધાનોના સોગંદવિધિમાં એક નામ તેમનું પણ હતું. નાશિકની લોકસભા ટિકિટ ન મળવાથી તેમજ રાજ્યસભાની ટિકિટ અજિત પવારના પત્ની સુનેત્રા પવારને આપવામાં આવતા ભૂજબળ નારાજ થયા હોવાની ચર્ચા સાંભળવા મળી છે.