પીએમ મોદી મુંબઈ મુલાકાત વખતે પૂરગ્રસ્ત ખેડૂતો માટે રાહતની જાહેરાત કરે: રાઉત

પુણે: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં તાજેતરના પૂરને કારણે નુકસાન પામેલા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવી જોઈએ.
પુણેમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.
રાઉતે કહ્યું હતું કે, ‘ખેડૂતો માટે રાહત પેકેજ દિલ્હીથી જાહેર થવું જોઈએ. વડા પ્રધાને મુંબઈની મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવી જોઈએ.’
આ પણ વાંચો: ફડણવીસ, શિંદે, અજિત પવાર મરાઠવાડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે… પણ ત્રણેયે લીલો દુકાળ જાહેર કરવાનું ટાળ્યું હતું
તેમણે શિવસેનાના નેતા રામદાસ કદમ પર 2012માં પાર્ટીના સ્થાપક બાળ ઠાકરેના મૃત્યુની જાહેરાતમાં વિલંબ અંગેના દાવાઓ પર વધુ પ્રહાર કર્યા હતા.
‘રામદાસ કદમ ક્યારેય વિશ્ર્વાસપાત્ર વ્યક્તિ નહોતા. ઉદ્ધવ ઠાકરેએ તેમને બે વાર વિધાન પરિષદમાં મોકલ્યા. નીલમ ગોર્હે અને કદમે પાર્ટીમાં શું યોગદાન આપ્યું છે? તેમણે ઉદ્ધવ ઠાકરેનો આભાર માનવો જોઈએ,’ એમ રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું હતું.
રાઉતે કહ્યું હતું કે, ‘હું બાળાસાહેબની અંતિમ ક્ષણો વખતે હાજર હતો. કદમનો દાવો એ વાતનું ઉદાહરણ છે કે કોઈ વ્યક્તિ પદ અને પૈસા માટે કેટલો નીચો જઈ શકે છે. જે લોકો પાર્ટી છોડી ગયા છે તેઓ ક્યારેય બાળાસાહેબ પ્રત્યે વફાદાર રહી શકતા નથી અથવા તેમને ખરેખર તેમનો માર્ગદર્શક વ્યક્તિ માની શકતા નથી.’