મદરેસાના શિક્ષકોને માનદ વેતન – પગાર વધારા અંગે સંજય રાઉતે સરકારને કર્યાં સવાલ?
મુંબઈ: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધી સવાલ કર્યો હતો કે શું મદરેસાના શિક્ષકોના માનદ વેતન અને પગારમાં વધારો કરવાનો નિર્ણય ‘વોટ જેહાદ’ નથી?, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું.
રાઉતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન લાડકી બહિણ યોજના અથવા મૌલાના આઝાદ ફાઈનાન્શિયલ કોર્પોરેશનની કાર્યકારી મૂડી 700 કરોડ રૂપિયાથી વધારીને 1 હજાર કરોડ રૂપિયા કરવા જેવી યોજનાઓનો અમલ ચૂંટણીના ગણિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે. ‘શું આ (લાડકી બહિણ જેવી યોજનાઓ અને મદરેસાના શિક્ષકોનો પગાર વધારો) વોટ જેહાદ નથી? જે લોકો બાળકોને ભણાવે છે તેમના પગારમાં વધારો થવો જોઈએ, પરંતુ જો અમે એવું કર્યું હોત તો તેઓએ (ભાજપ) તેને વોટ જેહાદમાં ખપાવી દીધું હોત.’
પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં વોટ જેહાદનો સહારો લેનારા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના પગારમાં સરકારે વધારો કર્યો નથી. આરોગ્ય અને શિક્ષણની વાત આવે ત્યારે ભાજપની મહાયુતિ સરકાર ધર્મ અનુસાર ભેદભાવ નથી કરતી.
આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની હાર માટે વોટ જેહાદને જવાબદાર ઠેરવી હતી. કેબિનેટના નિર્ણય મુજબ મૌલાના આઝાદ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની કાર્યકારી મૂડી 700 કરોડ રૂપિયાથી વધારીને 1 હજાર કરોડ રૂપિયા કરવામાં આવશે.
ડી.એડ.ની ડિગ્રી ધરાવતા મદરેસાના શિક્ષકો માટે માનદ વેતન છ હજાર રૂપિયાથી વધારીને 16 હજાર રૂપિયા કરવામાં આવશે, જ્યારે બી.એ., બી.એડ.ની ડિગ્રી ધરાવતા શિક્ષકોનું માનદ વેતન 8 હજાર રૂપિયાથી વધારીને 18 હજાર રૂપિયા કરવામાં આવશે.