સંજય રાઉત અને અનિલ દેશમુખનું ‘ગેંગસ્ટર સાથે ડિનર’: ભાજપનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્ર્વાસુ મનાતા રાજ્યસભા સાંસદ સંજય રાઉત તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર જૂથની એનસીપીના નેતા અનિલ દેશમુખ એક અત્યંત ખતરનાક આરોપી સાથે સંબંધ ધરાવતા હોવાનો આરોપ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યો છે. મહાવિકાસ આઘાડીના બંને નેતાઓ એક વ્યક્તિ સાથે ભોજન લઇ રહ્યા હોય તેવી તસવીરો મૂકી ભાજપે તે તસવીરમાં દેખાતી વ્યક્તિ રીઢો ગુનેગાર હોવાનો દાવો કર્યો છે.
ભાજપના નેતાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ(પહેલા ટ્વિટર) પર એક પોસ્ટ મૂકી હતી જેમાં સંજય રાઉત તેમ જ અનિલ દેશમુખ અમુક લોકો સાથે ભોજન લઇ રહ્યા હોય તેવી તસવીરો મૂકવામાં આવી હતી. આ તસવીરો સાથે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આ ‘ગેંગ’ ભોજન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ મનોજ જરાંગેને પડકાર ફેંક્યો
આ છે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રમાં હંમેશા દેકારો કરનારા સંજય રાઉત. આ બંને જામીન ઉપર જેલની બહાર આવેલા છે. તે નાગપુરમાં ભોજનનો આસ્વાદ માણી રહ્યા છે. તેમાં કંઇ ખોટું નથી. પણ આ બંને આરોપીઓ કોની સાથે જમી રહ્યા છે તે જુઓ. તે ગૌતમ ભટકર સાથે છે.
ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ મૂકેલી પોસ્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે આ ગૌતમ ભટકર કુખ્યાત સંતોષ આંબેકર ગેંગનો સભ્ય છે. ભટકર વિરુદ્ધ મકોકા(મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) પણ નોંધવામાં આવ્યો હતો. તે બળાત્કારનો આરોપી છે અને જેના પર બળાત્કાર ગુજાર્યો તેની સાથે લગ્ન પણ કરી લીધા.
ખંડણી વસૂલવાના અનેક ગુના તેની વિરુદ્ધ નોંધાયેલા છે. હવે આવા ગુનાગારો સાથે રહેશો તો તમારે જેલમાં જવું જ પડશે. તો પછી તમે શા માટે કહો છો કે નાગપુરના લોકોના કારણે તમારે જેલમાં જવું પડ્યું હતું? જૈસી કરની, વૈસી ભરની.
આ પોસ્ટને પગલે રાજકીય વતૃળમાં ભારે ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે સંજય રાઉત વિરુદ્ધ મની લૉન્ડરિંગનો કેસ ચાલી રહ્યો હોવાથી તેેમણે જેલમાં જવું પડ્યું હતું અને અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઇ દ્વારા પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાથી તેમણે જેલવાસ ભોગવવો પડ્યો હતો અને હાલ બંનેને જામીન પર બહાર છે, જેનો ઉલ્લેખ ઉક્ત પોસ્ટમાં કરવામાં આવ્યો હતો.