એકનાથ શિંદેની સેનામાં વધુ એક કૉંગ્રેસના દિગ્ગજની એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અચાનક મંત્રાલય સામે આવેલા બાળાસાહેબ હૉલમાં બેઠક બોલાવી પક્ષના મોટા નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે મોટી જાહેરાત કરતા કૉંગ્રેસ છોડી ચૂકેલા દિગ્ગજ નેતા સંજય નિરુપમ તેમની શિવસેનામાં જોડાશે, એમ જણાવ્યું હતું.
આ દરમિયાન સંજય નિરુપમ પોતે મુખ્ય પ્રધાન શિંદે સાથે હાજર હતા. શિંદેએ પક્ષના તમામ નેતાઓની સામે નિરુપમના પોતાની શિવસેનામાં આગમનની જાહેરાત કરી એ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો તેમ જ નિરુપમના આગમનથી પક્ષની તાકાત વધશે, તેમ જણાવ્યું હતું.
સંજય નિરુપમે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કૉંગ્રેસના નેતૃત્વ સામે પ્રશ્ર્નો ઊભા કર્યા હતા અને સાથે જ ઉદ્ધવ ઠાકરે પર પણ ટીકાનો વરસાવ્યો હતો. જેને પગલે તેમને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, એ પહેલા જ પોતે રાજીનામું આપી ચૂક્યા હોવાનું નિરુપમે એ વખતે કહ્યું હતું.
આ તો મારી ઘરવાપસી છે: નિરુપમ આ બેઠકમાં હાજર સંજય નિરુપમે જણાવ્યું હતું કે આજે હું મુખ્ય પ્રધાન શિંદેને મળ્યો હતો અને આગળ મારી શું ભૂમિકા રહેશે તે વિશે ચર્ચા કરી હતી. શિવસેનાના દરેક ઉમેદવાર આ ચૂંટણીમાં વિજયી થશે. હું ચૂંટણી લડવાનો નથી. આ તો મારી ઘરવાપસી થઇ છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ તરફથી સાંસદ રહેલા સંજય નિરુપમ તે પૂર્વ શિવસેનામાં જ હતા. હવે તેમણે શિવસેનામાં ઘરવાપસી કરી છે. જોકે, આ શિવસેના ઉદ્ધવ ઠાકરેની નહીં, પરંતુ ધનુષ્ય બાણનું ચિહ્ન મેળવનારી એકનાથ શિંદેની શિવસેના છે.
મોદી કરશે મુંબઈમાં બે સભા: શિંદે
પત્રકારો સાથે વાતચીત કરતા શિંદેએ આ વખતે મહાયુતિના દરેક ઉમેદવાર ચૂંટણી જીતશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ પ્રવાસ વિશે પણ માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે મુંબઈમાં અમે તમામ છ બેઠક જીતશું અને મહાયુતિનો ઝંડો લહેરાશે. જ્યારથી હું મુખ્ય પ્રધાન બન્યો છું ત્યારથી મુંબઈમાં ઝડપથી વિકાસકાર્યો થઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈમાં બે જનસભા યોજશે. અમે તેમને આગ્રહ કર્યો હતો અને તેમને અમને આશ્વાસન આપ્યું હતું કે તે જરૂર આવશે.