આમચી મુંબઈ

શિવસેના (યુબીટી)ના સાંસદો વક્ફ બિલ વિરુદ્ધ મતદાન કરવામાં ખચકાટ અનુભવતા હતા, ઉદ્ધવના ફોન પછી નરમ પડ્યા: સંજય નિરૂપમ

તેમણે ઠાકરે પર પ્રહારો કરીને તેમને ‘મુસ્લિમ હૃદયસમ્રાટ’ (મુસ્લિમ હૃદયના રાજા) તરીકે ઓળખાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: શિવસેનાના નેતા સંજય નિરૂપમે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે હરીફ શિવસેના (યુબીટી)ના સાંસદો લોકસભામાં વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ મતદાન કરવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ તેમના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેનો ફોન આવતાં તેઓએ હાર માની લીધી અને કાયદાનો વિરોધ કર્યો હતો. તેમણે ભાજપ વિરોધી જૂથના અગ્રણી નેતા ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા અને તેમને ‘મુસ્લિમ હૃદયસમ્રાટ’ (મુસ્લિમ હૃદયના રાજા) તરીકે ઓળખાવ્યા હતા.

અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, નિરૂપમે કહ્યું હતું કે વક્ફ બિલ પર શિવસેના (યુબીટી)નું વલણ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ સાથીની બૌદ્ધિક નાદારી દર્શાવે છે. ‘ઉદ્ધવ ઠાકરેએ લોકસભામાં તેમના સાંસદોને પાંચ વખત ફોન કર્યા હતા અને તેમને વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. પાર્ટી દ્વારા જારી કરાયેલા વ્હિપને કારણે તેમને (સેના-યુબીટી સભ્યો) બિલ વિરુદ્ધ મતદાન કરવું પડ્યું હતું,’ એવો દાવો નિરૂપમે કર્યો હતો.
શિવસેના (યુબીટી)ના બે સાંસદો – અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ) અને અનિલ દેસાઈ (મુંબઈ દક્ષિણ મધ્ય) સિવાય – પાર્ટીના અન્ય તમામ લોકસભા સભ્યોને ફોન કરવામાં આવ્યા હતા, એમ પણ તેમણે જણાવ્યું હતું.

શિવસેના (યુબીટી)ના સંસદના નીચલા ગૃહમાં નવ સાંસદ છે. અવિભાજિત શિવસેનામાં રહેલા અને કોંગ્રેસમાં પણ રહી ચૂકેલા ભૂતપૂર્વ સાંસદ નિરૂપમે જણાવ્યું હતું કે બિલનો વિરોધ કરવા માટે ઠાકરે પર મુસ્લિમ સંગઠનો તરફથી ભારે દબાણ હતું. ‘બાળાસાહેબ ઠાકરેને ‘હિન્દુ હૃદયસમ્રાટ’ (હિન્દુ હૃદયના રાજા)તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે હવે ‘મુસ્લિમ હૃદયસમ્રાટ’ તરીકે ઓળખાશે,’ એમ તેમણે કહ્યું હતું.

સંસદના બંને ગૃહોમાં મેરેથોન ચર્ચા પછી ગુરુવારે લોકસભા અને શુક્રવારે વહેલી સવારે રાજ્યસભામાં ચર્ચામાં રહેલું વકફ (સુધારા) બિલ પસાર કરવામાં આવ્યું. આ બિલનો ઉદ્દેશ વારસા સ્થળોનું રક્ષણ કરવા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈઓ સાથે વકફ મિલકતો (ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે મુસ્લિમો દ્વારા કાયમી ધોરણે દાનમાં આપવામાં આવતી સંપત્તિ)ના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે.

ગુરુવારે એક પત્રકાર પરિષદમાં, ઠાકરેએ કહ્યું હતું કે તેમનો પક્ષ બિલ પર ભાજપના ‘કપટપૂર્ણ’ વલણ અને વકફની જમીનો છીનવી લેવા અને તેમને તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપવાના તેના કાવતરાનો વિરોધ કરે છે.

આપણ વાંચો : વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પોતે કરી સ્પષ્ટતા, અમુક સુધારા સારા પણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button