આમચી મુંબઈ

કામરાને વિદેશમાં ‘ભારત વિરોધી’ સંગઠનો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું: નિરુપમ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: શિવસેનાના નેતા સંજય નિરુપમે શનિવારે એવો આરોપ લગાવ્યો હતો કે હાસ્ય કલાકાર કુણાલ કામરાને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (એફસીઆરએ)નું ઉલ્લંઘન કરીને વિદેશી ‘ભારત વિરોધી’ સંગઠનો પાસેથી ભંડોળ મળી રહ્યું છે અને પાર્ટી આ મુદ્દે કેન્દ્રીય એજન્સીઓનો સંપર્ક કરશે.

પત્રકાર પરિષદને સંબોધતા નિરુપમે એવો દાવો કર્યો હતો કે કામરાને કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ, સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશોમાં સ્થિત દાતાઓ પાસેથી 4 કરોડ રૂપિયા મળ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે પર કટાક્ષ કર્યા બાદ 36 વર્ષના હાસ્ય કલાકાર મહારાષ્ટ્રમાં રાજકીય વિરોધનો સામનો કરી રહ્યા છે. એક શો દરમિયાન કામરાની ટિપ્પણી બાદ શિવસૈનિકોએ આ અઠવાડિયાની શરૂઆતમાં તેમણે જ્યાં પરફોર્મ કર્યું હતું તે સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી.

‘કુણાલ કામરાને વિદેશી ભંડોળ મળી રહ્યું છે. તેમને કેનેડા, ઓસ્ટ્રેલિયા, કતાર, સાઉદી અરેબિયા અને અમેરિકાના (દાતાઓ) તરફથી 4 કરોડ રૂપિયાનું વિદેશી યોગદાન મળ્યું છે,’ એમ શિવસેનાના નેતાએ કહ્યું હતું. ‘જે લોકો પૈસા મોકલી રહ્યા છે તેઓ મોટાભાગે એક જ સમુદાયના છે. શું તેમને (કામરા) મદદ કરવા માટે ફતવો જારી કરવામાં આવ્યો છે? આ એફસીઆરએનું ઉલ્લંઘન છે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : પોલીસે ધીરજની પરીક્ષા ન કરવી, કામરાની તત્કાળ અટક કરો: શંભુરાજે દેસાઈ

કામરાને ભારત વિરોધી લોકો અને સંગઠનો પાસેથી ભંડોળ મળી રહ્યું છે, એવો દાવો નિરૂપમે કર્યો હતો. કામરા સામે દેશદ્રોહનો કેસ થઈ શકે છે. અમે તેમની સામે દેશદ્રોહીઓ અને ભારત વિરોધી સંગઠનો પાસેથી પૈસા લેવા અને ભારતને બદનામ કરવા બદલ કેન્દ્રીય એજન્સીઓને ફરિયાદ કરીશું. કુણાલ કામરા હવે છટકી શકશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું.
શિવસેનાના નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે હાસ્ય કલાકારને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું અને તેઓ તેમના પ્રભાવ હેઠળ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button