…તો દફનાવી દઈશઃ ગાયકવાડે ફરી કોંગ્રેસ માટે આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન…

મુંબઈ: વધુ એક ઉશ્કેરીજનક નિવેદન આપતા શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે ધમકી આપી હતી કે તેમાન કાર્યક્રમમાં દાખલ થનાર ‘કૉંગ્રેસી શ્વાન’ને દફનાવી દેવામાં આવશે. સોમવારે બુલઢાણાના વિધાનસભ્ય ગાયકવાડે નિવેદન આપ્યું હતું કે અનામતનો વિરોધ કરનાર રાહુલ ગાંધીની જીભના જે કોઇ ટુકડા કરશે તેને રૂ. ૧૧ લાખનું ઇનામ આપવામાં આવશે. આવા નિવેદન બાદ વિવાદ ઊભો થયો હતો.
તે જ દિવસે પત્રકારો સાથે વાતચીત કરતા ગાયકવાડ એક વીડિયોમાં બોલતા જણાય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના જિલ્લામાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના’ માટેના એક કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ‘કોઇ પણ કૉંગ્રેસી શ્વાન મારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેને ત્યાંને ત્યાં જ દફનાવી દેવામાં આવશે’, એમ બોલતા વીડિયોમાં ગાયકવાડ જણાય છે.
‘મેં જે નિવેદન આપ્યું તેની માટે હું માફી નહીં માગું, તો મુખ્ય પ્રધાને શા માટે આવું કરવું જોઇએ?…૧૪૦ કરોડની દેશની વસતી છે જેમાંથી ૫૦ ટકા લોકોને અનામત મળે છે. હું મારા નિવેદન પર મક્કમ છું. જેઓ અનામત દૂર કરવાની વાત કરે છે તેની માટે મેં નિવેદન આપ્યું હતું’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. લોકસભાના વિપક્ષ નેતા સામે વિવાદાસ્પદ નિવેદન કરવા માટે પોલીસે સોમવારે રાત્રે ગાયકવાડ સામે ગુનો નોંધ્યો હતો.
ગાયકવાડ હાલમાં ઘણી વખત વિવાદમાં જોવા મળ્યા છે. ગયા મહિને એક પોલીસ તેમની કાર ધોતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યાર બાદ વિધાનસભ્યએ દાવો કર્યો હતો કે તે પોલીસે કારમાં ઊલટી કરી હતી તેથી તે પોતે કારને સાફ કરી રહ્યો હતો.
તેના અગાઉ ગાયકવાડે દાવો કર્યો હતો કે ૧૯૮૭માં તેમને વાઘનો શિકાર કર્યો હતો અને તે વાઘના દાંતનું લોકેટ ગળાની ચેનમાં પહેર્યું છે. ત્યાર બાદ વન વિભાગે તે દાંત ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો અને ‘વાઇલ્ડલાઇફ પ્રોટેકશન એક્ટ’ હેઠળ ગાયકવાડ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.